
મોરબી: મોરબી તાલુકાનાં નીચી માંડલ અને હળવદ તાલુકાના સરંભડા ગામ પાસેથી પસાર થતી 220 કેવીની જેટકોની લાઇનમાંથી છેલ્લા દિવસમાં વીજ વાયર તૂટીને નીચે પડ્યા હતા જો કે, સદનસીબે ત્યારે ત્યાં નીચે કોઈ ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ બંને બનાવમાં કંપનીના જવાબદાર પ્રોજેકટ હેડ, ઇજનેર તેમજ લાઇન નિર્માણ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રાખનારાઓની સામે લોકોના જાનમાલને જોખમમાં મૂકવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવા માટે ખેડૂતો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખીતમાં ફરિયાદ આપવામાં આવેલ છે.મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સરંભડા ગામે થોડા દિવસો પહેલા ખેડૂતના ખેતરમાંથી પસાર થતી 220 કેવીની જેટકો કંપનીની વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો ત્યારે ખેતરમાં ખેડૂતના મજૂરો કામ પણ કરી રહ્યા હતા જો કે, કોઈ જાનહાનિ થયેલ ન હતી પરંતુ ખેડૂતે પોતાના ખેતરની અંદર મગફળીના પાકનું વાવેતર કર્યું હતું ત્યાં નુકશાન થયું છે.

અને જુદાજુદા ખેડૂતોના ખેતરોમાં મૂકવામાં આવેલ ઈલેક્ટ્રીક મોટર, વીજ વાયર વિગેરે હેવી વીજ લાઇન તૂટી પાડવાના લીધે હેવી વીજ પ્રવાહ આવવાથી બળીને ખાખ થઈ ગયા છે જેથી કરીને ખેડૂત દિલીપભાઇ જેઠાભાઇ પંચોટિયા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ આપવામાં આવેલ છે જયારે નીચી માંડલ ગામના નવલભાઈ નરભેરામભાઈ કુંડારિયાના ખેતરમાં પણ 220 કેવીની જેટકો કંપનીની વીજ લાઈનનો વાયર તૂટી પડ્યો હતો જેથી તેઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપેલ છે

જેમાં જણાવ્યુ છે કે, ખેતરમાં નાખેલી 220 કેવીની વીજ લાઇનનો વાયર અચાનક તૂટી પડ્યો હતો જેથી ખેતીના પાક અને ત્યાં ખેતી કામ માટે રાખવામા આવેલા વીજ ઉપકરણો બળી ગયેલ છે. આ બંને સ્થળે યોગ્ય રીતે મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાકટર દ્વારા વાપરવામાં આવેલ મટીરીયલ હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ પણ ખેડૂત દ્વારા કરવામાં આવેલ છે.અને લોકો તેમજ અબોલ પશુ પક્ષિણા જીવને જોખમમાં મૂકે તેવી ગંભીર બેદરકારી દાખવનારા કંપનીના જવાબદાર પ્રોજેકટ હેડ, ઇજનેર તેમજ લાઇન નિર્માણ અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રાખનારાઓની સામે લોકોના જાનમાલને જોખમમાં મૂકવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવેલ છે.






















