
વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 6 શાળાની ટીમોએ લીધો ઉત્સાહભેર ભાગ: વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ ક્રમે

મોરબી: વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, એકતા, શિસ્ત તેમજ સંગીત પ્રત્યેની અભિરુચિ વિકસે તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા વાવડી સ્થિત વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે ‘રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2026’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતના સુમધુર સ્વરો અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં મોરબીની વિવિધ શાળાઓની કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રભાવનાથી પ્રેરિત ગીતોની સમૂહગાન સ્વરૂપે ભાવસભર રજૂઆત કરી હતી. તમામ ટીમોએ તાલ, લય, સ્વર અને એકસૂત્રતા સાથે દેશપ્રેમ તથા રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણભાવનાને સુંદર રીતે વ્યક્ત કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વેદાંત ગ્લોબલ સ્કૂલના સંચાલક હર્ષદભાઈ ગામી તથા એકદંત ડેન્ટલ ક્લિનિક અને RSSના નગર કાર્યવાહ ડૉ. ઉત્સવભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને એકતાના મહત્વ અંગે માર્ગદર્શન આપી આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.

સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. અશ્વિનભાઈ બરાસરા અને ડૉ. પ્રેયશભાઈ પંડ્યાએ નિષ્પક્ષ સેવાઓ આપી હતી. તેમણે તમામ 6 ટીમોની રજૂઆતોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરી વિદ્યાર્થીઓને સંગીત, સ્વર તથા યોગ્ય ઉચ્ચારણ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સ્પર્ધાના પરિણામોમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, મોરબીએ પ્રથમ ક્રમ, નવયુગ સંકુલ, વીરપરએ દ્વિતીય ક્રમ અને સાર્થક વિદ્યામંદિર, મોરબી-2એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા ટીમોના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ તથા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને તેમની ઉત્સાહપૂર્ણ ભાગીદારી બદલ બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ, મોરબી શાખાની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સ્પર્ધાના સંયોજક મનહરભાઈ કુંડારિયા, સહસંયોજક પરેશભાઈ મિયાત્રા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સચિવ વિશાલભાઈ બરાસરા, અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, જિલ્લા સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, મહિલા સહભાગિતાના કોમલબેન પનારા, પંકજભાઈ ફેફર, ચેતનભાઈ સાણંદિયા, કૌશિકભાઈ અઘારા, વિનુભાઈ મકવાણા અને રાજેશભાઈ મોકાસણા સહિતના હોદ્દેદારો સક્રિય રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુવ્યવસ્થિત સંચાલન સચિવ વિશાલભાઈ બરાસરા દ્વારા કરવામાં આવ્યું હતું.



















