મટકી ફોડ સાથે નંદોત્સવની ઉજવણી કરી બાળકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો પરિચય કરાવ્યો

મોરબી: મોરબી ઘટક-2ના ખાખરાળા સેજા હેઠળ આવતી ટીંબડી-2 આંગણવાડી કેન્દ્ર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમી તથા નંદોત્સવની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને તહેવારો પ્રત્યે સંસ્કાર તથા જાગૃતિ કેળવાય તે હેતુથી આંગણવાડી કેન્દ્રને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું.


જન્માષ્ટમીની ઉજવણીમાં આંગણવાડીના નાના ભૂલકાઓ રાધા-કૃષ્ણના પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. બાળસ્વરૂપમાં સજ્જ થયેલા ભૂલકાઓએ સૌનું મન મોહી લીધું હતું અને સમગ્ર આંગણવાડી પરિસર કૃષ્ણમય બની ગયું હતું.

આ પ્રસંગે ખાસ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાનુડાના વેશમાં સજ્જ બાળકોએ ઉત્સાહપૂર્વક મટકી ફોડમાં ભાગ લીધો હતો અને નંદોત્સવની ઉજવણી કરી હતી. આ સાથે બાળકોને જન્માષ્ટમી પર્વના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી, જેથી નાની વયથી જ બાળકોમાં ભારતીય લોકપરંપરા, સંસ્કૃતિ અને તહેવારો પ્રત્યે લાગણી તથા સંસ્કારોનું સિંચન થાય.

કાર્યક્રમને સફળ બનાવવા ટીંબડી-2 આંગણવાડી કેન્દ્રના કાર્યકર દિવ્યાબેન તથા હેલ્પર વંદનાબેને અથાગ મહેનત કરી હતી. બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં આવતા સમગ્ર ઉજવણી આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.






















