
શોભાયાત્રા અને મટકી ફોડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: ગ્રામજનોમાં ભારે ઉત્સાહ

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામમાં આગામી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિસભર ઉજવણી માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ‘લાલપર ગામ સમસ્ત’ અને ‘લાલપર યુવા ગ્રુપ’ દ્વારા સંયુક્ત રીતે ‘શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીના પાવન પર્વને લઈ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે લાલપર ગામમાં વિવિધ ધાર્મિક અને ઉત્સાહવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લાલપર યુવા ગ્રુપના સભ્યો દ્વારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે જરૂરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત તા. 04 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ સવારે 7:30 કલાકે શ્રી રામજી મંદિર ચોક, લાલપર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ત્યારબાદ બપોરે 12:00 કલાકે શ્રી રામજી મંદિર ચોક ખાતે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ધાર્મિક આસ્થા સાથે ગ્રામજનોમાં ભાઈચારો, એકતા અને ઉત્સાહનો માહોલ જોવા મળે તેવા હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

લાલપર ગામ સમસ્ત અને લાલપર યુવા ગ્રુપ દ્વારા ગામના તમામ ધર્મપ્રેમી નાગરિકોને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીને ભવ્ય બનાવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




















