HomeAllમાંડવીની દીકરી ક્રિતીકા પરેશભાઈ બુધભટ્ટીની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી, કંસારા સોની સમાજનું ગૌરવ...

માંડવીની દીકરી ક્રિતીકા પરેશભાઈ બુધભટ્ટીની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી, કંસારા સોની સમાજનું ગૌરવ વધાર્યું

માંડવી : માંડવીની ખીમજી રામદાસ કન્યા શાળામાં અભ્યાસ કરતી 13 વર્ષીય ક્રિતીકા પરેશભાઈ બુધભટ્ટીની ગ્લોબલ સ્ટુડન્ટ આઈકોન્સ (GSI) દ્વારા આયોજિત રાષ્ટ્રીય પ્રતિભા સન્માન સમારોહ-2027 માટે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં માંડવી સહિત સમગ્ર કચ્છ અને કંસારા સોની સમાજમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.

નાનપણથી જ નૃત્ય પ્રત્યે વિશેષ રુચિ ધરાવતી ક્રિતીકાની પ્રતિભાને ઓળખી માતા રચનાબેન પરેશભાઈ બુધભટ્ટી, પિતા પરેશભાઈ બુધભટ્ટી અને દાદી જ્યોતિબેન સુરેશભાઈ બુધભટ્ટીએ તેને ભરતનાટ્યમની તાલીમ માટે પ્રોત્સાહિત કરી હતી. હાલમાં ક્રિતીકા ભરતનાટ્યમના ચોથા વર્ષની તાલીમ અને રિયાઝ કરી રહી છે તેમજ અખિલ ભારતીય ભરતનાટ્યમની પ્રથમ વર્ષની પરીક્ષા આપી રહી છે. તે માંડવી સ્થિત નૃત્યમ ડાન્સ સ્ટુડિયો ખાતે તાલીમ મેળવી રહી છે.

ક્રિતીકાએ વર્ષ 2024 અને 2025 દરમિયાન તાલુકા કક્ષાની ભરતનાટ્યમ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી પોતાની નૃત્ય પ્રતિભાનો પરચો આપ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2025માં સંસ્કૃત વિષયમાં તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નૃત્ય સાથે અભ્યાસ ક્ષેત્રે પણ તેજસ્વી રહેલી ક્રિતીકાએ ધોરણ-6માં 80 ટકા ગુણ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે પણ પોતાની પ્રતિભા સાબિત કરી છે.

ક્રિતીકાની નૃત્ય અને શૈક્ષણિક ક્ષેત્રની ઉત્કૃષ્ટ સિદ્ધિઓને ધ્યાનમાં લઈ ગ્લોબલ સ્ટુડન્ટ આઈકોન્સ (GSI) દ્વારા તેની રાષ્ટ્રીય પ્રતિભા સન્માન સમારોહ-2027 માટે પસંદગી કરવામાં આવી છે. આ સમારોહમાં ધોરણ-1થી લઈને કોલેજ અને યુનિવર્સિટી કક્ષાના વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રોમાં રહેલી પ્રતિભાને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય છે.

માંડવીની આ દીકરીની રાષ્ટ્રીય કક્ષાએ થયેલી પસંદગીથી તેના પરિવારજનો, ખીમજી રામદાસ કન્યા શાળા પરિવાર, નૃત્ય ગુરુઓ તેમજ કંસારા સોની સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. સમાજના આગેવાનો, શાળા પરિવાર અને નૃત્ય ગુરુઓએ ક્રિતીકાને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments