HomeAllમોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી...

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા ઓગસ્ટ માસ દરમિયાન ૩૩થી વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમો યોજાયા

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે ૧૭૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તકનીકી અને વૈજ્ઞાનિક માર્ગદર્શન અપાયું

મોરબી, તા. ૨ સપ્ટેમ્બર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારની મહાઝુંબેશને મોરબી જિલ્લામાં પણ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પ્રોજેક્ટ, મોરબી દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં ૩૩થી વધુ ખેડૂતલક્ષી કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ, મોરબીના સંયુક્ત ઉપક્રમે તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર કે.એમ. ડાભીના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમોમાં જિલ્લાના ૧૭૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તકનીકી, વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઝુંબેશ અંતર્ગત ૧૪ જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમો, ૧૧ જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ, ૩ ખેડૂત-વૈજ્ઞાનિક ગોષ્ઠી અને ૫ કિસાન ગોષ્ઠી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના ફાયદાઓ તથા ખેતીમાં તેના વ્યવહારુ અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમો દરમિયાન કૃષિ તજજ્ઞો તથા આત્મા પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો અંગે સૈદ્ધાંતિક સમજ આપવામાં આવી હતી. ઉપરાંત, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને ખેતરમાં સરળતાથી અપનાવી શકાય તે માટે પ્રત્યક્ષ નિદર્શન અને પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, પ્રાકૃતિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા તેમજ રસાયણમુક્ત અને ટકાઉ ખેતી તરફ આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અંગે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં યોજાયેલી આ વિવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓના પરિણામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ, સમજ અને ઉત્સાહમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવીને રસાયણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments