
મોરબી: મોરબીમાં તાજેતરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ભારત કો જાનો’ મૌખિક પ્રશ્નમંચ કાર્યક્રમનું રવાપર રોડે આવેલ નીલકંઠ વિધાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની 23 શાળાઓ તથા માધ્યમિક વિભાગની 10 શાળાઓ, એમ કુલ 33 શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ્ સાથે કરવામાં આવી હતી અને ત્યાર બાદ વિવિધ ટુકડીઓમાં સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. 4 કલાક સુધી વિવિધ રાઉન્ડમાં મૌખિક પ્રશ્નોત્તરી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વિજેતા શાળાઓમાં પ્રાથમિક વિભાગ મોરબી સાર્થક વિધા મંદિર, માધ્યમિક વિભાગમાં સરદાર પટેલ વિધાલય બંગાવડીનો સમાવેશ થાય છે અને તેઓની ટીમોને ઈનામ વિતરણ બાદ સમાપન સમારોહ યોજાયો હતો.

તેમજ વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત 86 બાળકોને શાળા કક્ષાએ યોજાયેલી લેખિત પરીક્ષામાં પ્રથમ તથા દ્વિતીય ક્રમે વિજેતા થવા બદલ શિલ્ડ, પ્રમાણપત્ર તથા સુંદર અને ઉપયોગી શૈક્ષણિક સામગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, મૌખિક પ્રશ્નમંચ સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
























