HomeAllમોરબીમાં ગેરકાયદે કતલખાના મુદ્દે હિન્દુ સંગઠનોનો વિરોધ

મોરબીમાં ગેરકાયદે કતલખાના મુદ્દે હિન્દુ સંગઠનોનો વિરોધ

9 વર્ષથી રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થવાનો આક્ષેપ; મહાપાલિકા કચેરીએ ધરણા યોજી નક્કર પગલાંની માંગ

મોરબી, 22 સપ્ટેમ્બર: મોરબી શહેરના રહેણાંક વિસ્તારો, જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળોની આસપાસ ચાલી રહેલા કથિત ગેરકાયદેસર કતલખાના અને ઈંડા-નોનવેજની લારીઓ સામે હિન્દુ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રજૂઆતો છતાં નક્કર કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ સાથે આગેવાનો અને કાર્યકરો મહાપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસી ગયા હતા.

હિન્દુ સંગઠનના આગેવાન કમલેશભાઈ બોરીચાના જણાવ્યા મુજબ, રહેણાંક વિસ્તારોમાં ચાલતા કથિત ગેરકાયદેસર કતલખાના અંગે સ્થાનિકો દ્વારા છેલ્લા 9 વર્ષથી તથા સંગઠન દ્વારા છેલ્લા 2 વર્ષથી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. એક મહિના અગાઉ પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ નોટિસો તેમજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં સ્થળ પર અસરકારક કાર્યવાહી થઈ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સંગઠન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શહેરના વિવિધ વિસ્તારોમાં કથિત ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની લારીઓ હજુ પણ ચાલુ છે. અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવે ત્યારે માત્ર લારીઓ બંધ કરાવવાની સૂચના આપવામાં આવે છે, પરંતુ નિયમિત અને અસરકારક ચેકિંગ તથા કાર્યવાહી થતી નથી તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, અન્ય નાના વેપારીઓની લારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સમાન ધોરણે કાર્યવાહી થતી નથી તેવો આક્ષેપ પણ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો. જો નોનવેજના વ્યવસાય માટે વૈકલ્પિક જગ્યા નક્કી કરવામાં આવી હોય તો તે અંગે વ્યવસ્થા કરવા અને ત્યાં સુધી નિયમોનું પાલન કરાવવાની માંગ કરવામાં આવી હતી.

હિન્દુ સંગઠનો દ્વારા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ સમક્ષ ગેરકાયદેસર કતલખાના અને નોનવેજની લારીઓ અંગે તાત્કાલિક તપાસ કરી નિયમસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સંતોષકારક જવાબ અને નક્કર કાર્યવાહીનું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી મહાપાલિકા કચેરી ખાતે ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments