HomeAllમોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

સરકારની વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઈ

૦૧ સપ્ટેમ્બર: ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠક મોરબી કલેક્ટર કચેરી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

બેઠકની શરૂઆતમાં અગાઉ યોજાયેલી દિશા કમિટીની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ જૂન-૨૦૨૬ના અંત સુધી વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી ભૌતિક તથા નાણાકીય કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી તથા જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે યોજનાઓના અમલીકરણમાં ઝડપ લાવવા, પાત્ર લાભાર્થીઓને સમયસર યોજનાકીય લાભ મળી રહે તેમજ વિકાસકામો ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા તેમના વિભાગ હેઠળ અમલમાં રહેલી યોજનાઓની કામગીરી, ભૌતિક સિદ્ધિ, નાણાકીય પ્રગતિ તથા અત્યાર સુધી થયેલી કામગીરીની વિગતો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી હતી.

બેઠકનું સંચાલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના પ્રમુખો, કલેક્ટર સ્વપ્નિલ ખરે, મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments