HomeAllમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપનો ‘ક્રિષ્ના લોકમેળો’ આજથી શરૂ, તા. 24 સપ્ટેમ્બર સુધી...

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપનો ‘ક્રિષ્ના લોકમેળો’ આજથી શરૂ, તા. 24 સપ્ટેમ્બર સુધી મેળો માણી શકાશે

નિઃશુલ્ક પ્રવેશ સાથે અવનવી રાઇડ્સ, ફજેત-ફાળકા, રમકડાં અને ખાણી-પીણીના સ્ટોલ બનશે આકર્ષણનું કેન્દ્ર; CCTV, સિક્યુરિટી ગાર્ડ, સ્વયંસેવકો, વીમા કવચ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ

02 સપ્ટેમ્બર, 2026: મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો પરિવાર સાથે સુરક્ષિત, સ્વચ્છ અને આનંદમય વાતાવરણમાં લોકમેળાનો આનંદ માણી શકે તેવા હેતુથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ‘ક્રિષ્ના લોકમેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, બાયપાસ રોડ ખાતેના વિશાળ મેદાનમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો છે, જે તા. 24 સપ્ટેમ્બર સુધી યોજાશે. ખાસ વાત એ છે કે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર પણ કોઈ આર્થિક ભાર વગર મેળાની મુલાકાત લઈ શકે તે માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.

17 વર્ષથી યંગ ઇન્ડિયા ગ્રુપની લોકમેળાની પરંપરા : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી મોરબીમાં ‘ક્રિષ્ના લોકમેળા’નું આયોજન કરવામાં આવે છે. વર્ષોથી મોરબીની જનતાનો મળતો પ્રેમ, વિશ્વાસ અને સહયોગ આ મેળાની આગવી ઓળખ બની રહ્યો છે. મનોરંજનની સાથે પારિવારિક મેળાપનું માધ્યમ બનેલા આ લોકમેળામાં બાળકો, બહેનો, યુવાનો અને વડીલો સહિત તમામ વયજૂથના લોકો પરિવાર સાથે આનંદ માણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

અવનવી રાઇડ્સ અને મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર : ‘ક્રિષ્ના લોકમેળા’માં બાળકો અને યુવાનો માટે વિવિધ અવનવી તથા આકર્ષક રાઇડ્સ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ફજેત-ફાળકા, રમકડાં તથા વિવિધ મનોરંજનના સાધનો પણ ઉપલબ્ધ રહેશે. પરિવાર સાથે આવતા મુલાકાતીઓને મનોરંજન અને આનંદનો ભરપૂર અનુભવ મળી રહે તે માટે મેળાના વિશાળ મેદાનમાં વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

વિવિધ ખાણી-પીણીના સ્ટોલ સાથે ખરીદીની સુવિધા : મેળામાં વિવિધ પ્રકારના ખાણી-પીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. મુલાકાતીઓને ખાણી-પીણીની વસ્તુઓ, રમકડાં તેમજ અન્ય ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે તે બાબતે આયોજનકર્તાઓ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી પરિવાર સાથે આવતા લોકોને મનોરંજન ઉપરાંત ખરીદી અને ખાણી-પીણીની સુવિધા પણ એક જ સ્થળે મળી રહે.

પરિવારલક્ષી આયોજન સાથે પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને ધ્યાનમાં રાખીને મેળામાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. પરિવારના તમામ સભ્યો કોઈપણ પ્રકારની એન્ટ્રી ફીની ચિંતા કર્યા વિના મેળાની મુલાકાત લઈ શકે અને વિવિધ આકર્ષણોનો આનંદ માણી શકે તે આ આયોજનનો મહત્વનો ઉદ્દેશ છે.

સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય, CCTV અને સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા : મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા લોકમેળામાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આયોજનકર્તાઓ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. સમગ્ર મેળા પરિસરમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ તથા યંગ ઇન્ડિયા ગ્રુપના સ્વયંસેવકોની ટીમ સતત દેખરેખ રાખશે. ખાસ કરીને બાળકો, બહેનો અને પરિવાર સાથે આવતા મુલાકાતીઓને કોઈ મુશ્કેલી ન પડે તથા મેળાનું વાતાવરણ વ્યવસ્થિત અને સુરક્ષિત રહે તે માટે સુરક્ષા વ્યવસ્થાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

મેળાને વીમા કવચનું સુરક્ષા કવચ : મેળામાં આવતા મુલાકાતીઓ તેમજ સમગ્ર આયોજનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળાને વીમા કવચ પણ આપવામાં આવ્યું છે. મનોરંજનની સાથે મુલાકાતીઓની સલામતી પણ સુનિશ્ચિત થાય તે દિશામાં આ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિશાળ અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા : મેળામાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે આવનાર હોવાથી પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે વિશાળ અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ પોતાના વાહનો વ્યવસ્થિત રીતે પાર્ક કરી સરળતાથી મેળા પરિસરમાં પ્રવેશ કરી શકે તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

મુલાકાતીઓ માટે ફ્રી Wi-Fi ઝોન : મેળામાં આવતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે ફ્રી Wi-Fi ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મનોરંજનની સાથે મુલાકાતીઓને જરૂરી ડિજિટલ સુવિધા મળી રહે તે માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મનોરંજન સાથે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને પ્રાધાન્ય

‘ક્રિષ્ના લોકમેળા’માં માત્ર મનોરંજનને જ કેન્દ્રમાં રાખવામાં આવ્યું નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. મેળાના સ્ટેજ પરથી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ફિલ્મી ગીતોની જગ્યાએ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી સભર ગીતોને પ્રાધાન્ય આપવામાં આવશે. નવી પેઢી મનોરંજનની સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે જોડાય તેવો પ્રયાસ આ આયોજનના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે.

સ્વચ્છતા અને સરકારી નિયમોના પાલન માટે તકેદારી : મેળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતે પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે. મેળા પરિસરમાં કચરાનો યોગ્ય નિકાલ થાય અને મુલાકાતીઓને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેળાના આયોજન દરમિયાન સંબંધિત સરકારી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા સ્વચ્છતા, સુરક્ષા અને અન્ય જરૂરી નિયમોનું પાલન કરવામાં આવશે.

નફાનો હેતુ નહીં, સુરક્ષિત અને પારિવારિક મનોરંજન આપવાનો આશય : યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, “ક્રિષ્ના લોકમેળાના આયોજન પાછળ કોઈ નફાકીય હેતુ નથી. સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર પોતાના બાળકો સાથે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી ચૂકવ્યા વિના મેળામાં આવી શકે અને આનંદ માણી શકે એ અમારી મુખ્ય ભાવના છે. નફા કરતાં નિર્દોષ મનોરંજન, સુરક્ષા, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સૌહાર્દને કેન્દ્રમાં રાખીને આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની જનતા પરિવાર સાથે મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લઈ આ આયોજનને સફળ બનાવે તેવી અમારી અપેક્ષા છે.”

RELATED ARTICLES

Most Popular

Recent Comments