શહેરમાં 20 જેટલા સ્થળોએ મટકીફોડના કાર્યક્રમો યોજાશે, ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતા 8થી 9 આકર્ષક ફ્લોટ્સ બનશે મુખ્ય આકર્ષણ

મોરબીમાં: જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર્વ હિન્દુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીના પાવન અવસરે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થનારી આ શોભાયાત્રામાં વિવિધ હિન્દુ સંગઠનો, મંડળો અને ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે, જેના પગલે સમગ્ર મોરબી શહેર કૃષ્ણભક્તિના રંગે રંગાઈ જશે.

સવારે 8 વાગ્યે જડેશ્વર મંદિરથી પ્રસ્થાન

હિન્દુ સંગઠનના અગ્રણી કમલેશ બોરીચાએ શોભાયાત્રા અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભવ્ય શોભાયાત્રા સવારે 8 વાગ્યે રેલવે સ્ટેશન પાસે આવેલા જડેશ્વર મંદિરથી પ્રસ્થાન કરશે. ત્યારબાદ શોભાયાત્રા સુપર ટોકીઝ, નવયુગ ગારમેન્ટ ચોક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, રિદ્ધિ સિદ્ધિ ફાટક, ખાખીની જગ્યા, જૂના બસ સ્ટેન્ડ, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાનજી મંદિર, ગાંધી ચોક પેટ્રોલ પંપ, શાક માર્કેટ, નહેરુ ગેઇટ અને ગ્રીન ચોક સહિતના શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. અંતે દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે શોભાયાત્રાની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવશે.

20 સ્થળોએ મટકીફોડના કાર્યક્રમો

જન્માષ્ટમીની ઉજવણીને વધુ રોમાંચક અને ભક્તિમય બનાવવા માટે શોભાયાત્રાના રૂટ પર વિવિધ મંડળો દ્વારા આશરે 20 જેટલા સ્થળોએ મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા આકર્ષક ફ્લોટ્સ

શોભાયાત્રામાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાની સુંદર ઝાંખી કરાવતા 8થી 9 જેટલા આકર્ષક ફ્લોટ્સ અને ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે. વિવિધ ફ્લોટ્સમાં શિવલિંગ સહિતના ધાર્મિક પ્રતિકો અને ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરવામાં આવશે, જે શોભાયાત્રાનું વિશેષ આકર્ષણ બનશે. વિવિધ સંગઠનો પોતાના રથ, ડીજે સિસ્ટમ અને અન્ય ધાર્મિક ઝાંખીઓ સાથે શોભાયાત્રામાં જોડાશે.

વિશાળ સંખ્યામાં જોડાવા ધર્મપ્રેમી જનતાને અપીલ

જન્માષ્ટમીના આ પાવન પર્વ નિમિત્તે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા એકતા, ભક્તિ અને સનાતન સંસ્કૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. મોરબીની તમામ ધર્મપ્રેમી જનતા તેમજ કૃષ્ણભક્તોને ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને જન્માષ્ટમી પર્વની ઉજવણીને વધુ દિવ્ય, ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

















