તંત્ર સાથેની બેઠક નિષ્ફળ, યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી, તા. ૦૬ સપ્ટેમ્બર: મોરબીમાં નેશનલ હાઈવે બાયપાસ માટે જમીન સંપાદનની કાર્યવાહી અંગે ખેડૂતો અને તંત્ર વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક નિષ્ફળ રહી હતી. ગાળા, કેરાળા, જસમતગઢ, સાપર, નીચી માંડલ, આંદરણા, ખરેડા, વાંકડા અને જીવાપર (ચકમપર) ગામના ખેડૂત પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મોરબી પ્રાંત અધિકારી, સંપાદન અધિકારી તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓએ ખેડૂતો સાથે જમીન સંપાદન અને વળતર અંગે ચર્ચા કરી હતી.

ખેડૂત પ્રતિનિધિઓએ જમીન સંપાદનના બદલામાં મળનારા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, હાલની બજાર કિંમતની સરખામણીએ મળતું વળતર સંતોષકારક નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, સૌથી વધુ કિંમતના ૫૦ ટકા દસ્તાવેજોની સરેરાશ કાઢી તેના ચાર ગણા ભાવ મુજબ વળતર આપવાની જોગવાઈ તેમને મંજૂર નથી. ખેડૂતો દ્વારા જમીનની વર્તમાન બજાર કિંમત જેટલું અથવા તેનાથી વધુ વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીન સંપાદન, વળતર સહિતના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ કરવામાં આવી હતી. જોકે, ખેડૂતોની માંગણીઓ અંગે કોઈ નક્કર અને સંતોષકારક નિરાકરણ ન આવતા બેઠક નિષ્ફળ રહી હતી. ખેડૂત પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે અને સંતોષકારક વળતર નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી જમીન સંપાદનની કામગીરી આગળ વધારવા દેવામાં આવશે નહીં.

આ મામલે મોરબી પ્રાંત અધિકારી જેતાવતે જણાવ્યું હતું કે, બેઠકમાં ખેડૂતોને નિયમ મુજબ મળવાપાત્ર અંદાજિત વળતર અંગે સમજાવવામાં આવ્યું હતું. નિયમ મુજબ થયેલા દસ્તાવેજોમાંથી સૌથી વધુ કિંમતના ૫૦ ટકા દસ્તાવેજોની સરેરાશ કાઢી તેના ચાર ગણા ભાવ મુજબ વળતર આપવાની જોગવાઈ છે. જોકે, ખેડૂતો હાલની બજાર કિંમત જેટલું અથવા તેનાથી વધુ વળતર માંગી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા અન્ય બે-ત્રણ રજૂઆતો પણ કરવામાં આવી છે, જે રાજ્ય સરકાર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલ ખેડૂતોને કોઈ ચોક્કસ વળતરની રકમ કહી શકાય તેમ નથી, કારણ કે ડિમાર્કેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક વળતર નક્કી થશે. આગામી સમયમાં કલેક્ટર તેમજ રાજ્ય સરકારને સમગ્ર મામલે બ્રિફ કર્યા બાદ બીજી બેઠક યોજવા સહિતની આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

બીજી તરફ, ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, જો તેમના પ્રશ્નો અને વળતરના મુદ્દે વહેલી તકે યોગ્ય અને સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોના અસંતોષને પગલે નેશનલ હાઈવે બાયપાસ માટેની જમીન સંપાદનની કામગીરી સામે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.




















