રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં મામલતદાર કચેરી સામે આંદોલન, અઘટિત ઘટના બને તો તંત્ર જવાબદાર હોવાની ચીમકી

મોરબી: ટંકારાથી કોઠારીયા જતા માર્ગ નજીક આવેલી ખાનગી સોલાર કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરી ૧૧ KVની અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈન નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હડમતિયા સબ-સ્ટેશન સુધી વીજળી પહોંચાડવા માટે નાખવામાં આવેલી આ લાઈન જોખમી રીતે રસ્તાની નજીકથી પસાર કરવામાં આવી હોવા છતાં રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં મામલતદાર કચેરી સામે પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.

09 સપ્ટેમ્બર 2026: ઉપવાસ પર બેઠેલા ટંકારાના જાગૃત નાગરિકો હેમંતભાઈ મોહનભાઈ દુબરીયા અને દિનેશભાઈ કરશનભાઈ સોલંકીના જણાવ્યા મુજબ એડિકા ઈન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી. સોલાર કંપની દ્વારા આ ૧૧ KV વીજ લાઈન નાખવામાં આવી છે. ખેડૂતોના આક્ષેપ મુજબ માર્ગ અને મકાન વિભાગની શરતો અનુસાર વીજ કેબલ રસ્તાની મધ્યરેખા અને નાળાથી ઓછામાં ઓછા ૬ મીટર દૂર નાખવાનો નિયમ છે, છતાં કંપની દ્વારા રસ્તાની સાવ નજીક કેબલ નાખવામાં આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે અને નજીકમાં સિંચાઈનું તળાવ પણ આવેલું છે. ઉપરાંત શિતળા માતાના મંદિર તરફ જતા શ્રદ્ધાળુઓ તથા પદયાત્રીઓની સતત અવરજવર રહેતી હોવાથી વીજ લાઈનને કારણે શોર્ટ સર્કિટ કે અન્ય અકસ્માત સર્જાય તો ગંભીર જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતોનો વધુમાં આક્ષેપ છે કે આ ગેરરીતિ અંગે કંપનીના ભાગીદાર પરેશભાઈ મોરડીયાને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ખેડૂતોને જાનથી મારી નાખવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી.

આ ઉપરાંત ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ પણ કંપની દ્વારા સર્વે નંબર ૩૩૭ અને ૩૬૦માં ગેરકાયદે ખનન કરી અંદાજે ૧૫૦૦થી ૨૦૦૦ ટ્રેક્ટર જેટલી માટી ઉપાડી લેવામાં આવી હોવા અંગે મોરબી કલેક્ટર, ટંકારા મામલતદાર તેમજ પોલીસ તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે.

તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા ખેડૂતો દ્વારા અગાઉ આપવામાં આવેલી ચીમકી મુજબ મામલતદાર કચેરી બહાર પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. વીજ લાઈનના નિયમભંગની તપાસ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સંભવિત જાનહાનિ અટકાવવા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ખેડૂતો અને જાગૃત નાગરિકોએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વહીવટી તંત્રની રહેશે.



















