20 ઓક્ટોબર દશેરાના પાવન પર્વે મહંત સ્વામી મહારાજ મોરબી પધારશે, 16 દિવસ સુધી હરિભક્તોને દર્શનનો લાભ મળશે

મોરબી : BAPS સંસ્થાના ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ મોરબી BAPS મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી 20 ઓક્ટોબર 2026, મંગળવારના રોજ દશેરાના પાવન પર્વે મોરબી પધારી રહ્યા છે. મહંત સ્વામી મહારાજના મોરબી આગમનથી ધર્મપ્રેમી જનતામાં અને હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં તેમના પાવન સાનિધ્યનો સતત 16 દિવસ સુધી લાભ મળવાનો છે.

મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે સર્વે પ્રજાજનોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય તેમજ સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય તેવા પવિત્ર હેતુથી આગામી 24 અને 25 ઓક્ટોબર 2026ના રોજ સવારે 8:00 કલાકે ભવ્ય ‘વિશ્વ શાંતિ મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાનાર આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં યજમાન તરીકે જોડાઈને યજ્ઞકુંડમાં આહુતિ અર્પણ કરવાનો અવસર ભક્તો માટે વિશેષ આધ્યાત્મિક અનુભવ બની રહેશે. યજ્ઞમાં પોતાના પરિવારજનો, સ્નેહીજનો અને મિત્રો સાથે એકસાથે બેસવા માટે આખો યજ્ઞકુંડ બુક કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાયજ્ઞમાં યજમાનપદ સ્વીકારવા માટે વિવિધ સેવા અનુદાન નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પ્રમુખ યજમાન માટે રૂ. 11,11,000, સંનિષ્ઠ યજમાન માટે રૂ. 5,51,000, ઉપ યજમાન માટે રૂ. 2,21,000, વરિષ્ઠ યજમાન માટે રૂ. 1,51,000, પરમ યજમાન માટે રૂ. 51,000, સહ યજમાન માટે રૂ. 21,000, નૈષ્ઠિક યજમાન માટે રૂ. 11,000 અને દિવ્ય યજમાન માટે રૂ. 5,100નું સેવા અનુદાન નક્કી કરવામાં આવ્યું છે.

વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાવા ઇચ્છુક ભક્તો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આપવામાં આવેલા QR કોડને સ્કેન કરી નોંધણી કરાવી શકાશે અથવા ચેક દ્વારા પણ સેવા લખાવી શકાશે. યજમાનપદની સેવા લખાવવા ઇચ્છુક ભક્તો રાજેશભાઈ કડીવાર 9979233659 અથવા પ્રવીણભાઈ ન્યાયી 9879871072નો સંપર્ક કરી શકશે.





















