દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડી ચોરીને આપ્યો હતો અંજામ, પાણીના ટાંકામાં સંતાડેલો સમગ્ર મુદ્દામાલ પોલીસે કર્યો રિકવર

મોરબી: 16 સપ્ટેમ્બર, 2026: મોરબી શહેરના સરદાર રોડ પર આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સમાં થયેલી રૂ.17.24 લાખની ચોરીનો ભેદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા પિતા-પુત્રની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસ મુજબ, તા.05 સપ્ટેમ્બર 2026ની રાત્રે સરદાર રોડ પર આવેલી રાધા કૃષ્ણ જ્વેલર્સની પાછળની દીવાલમાં બાકોરું પાડી અજાણ્યા શખ્સોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ ચાંદીનો ભંગાર મળી કુલ રૂ.17,24,000ની ચોરી કરવામાં આવી હતી.

ચોરીના બનાવને ગંભીરતાથી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા આશરે 250 જેટલા CCTV કેમેરાના ફૂટેજની ચકાસણી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે મોરબી વાવડી રોડ, શ્રીજી પાર્ક ખાતે રહેતા કરીમભાઇ હાસમભાઇ માણેક અને તેમના પુત્ર મુસ્તાકભાઇ કરીમભાઇ માણેકની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. બંને મૂળ નવી નવલખી, તા. માળીયા-મિયાણા ગામના હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં પિતા-પુત્રએ જ્વેલર્સની દુકાનની પાછળની દીવાલમાં બાકોરું પાડી ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ચોરી કર્યા બાદ સોના-ચાંદીના દાગીના તેમના રહેણાંક મકાનના ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાં સંતાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી સમગ્ર મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

પોલીસે કબજે કરેલો મુદ્દામાલ : સોનાના નાકના દાણા તથા સોનાના પેન્ડલ, વજન 24.05 ગ્રામ, કિંમત રૂ.2,74,000, ચાંદીના દાગીના, કુલ વજન 6 કિલો 250 ગ્રામ, કિંમત રૂ.12,50,000, ચાંદીનો જૂનો ભંગાર, વજન 1 કિલો 696 ગ્રામ, કિંમત રૂ.2,00,000, સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કુલ કિંમત રૂ.17,24,000, સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ-36-AM-7998, અંદાજિત કિંમત રૂ.50,000, આમ, પોલીસે ચોરીનો સંપૂર્ણ રૂ.17.24 લાખનો દાગીના-મુદ્દામાલ તેમજ રૂ.50 હજારની મોટરસાયકલ મળી કુલ રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુનામાં સંડોવાયેલા બંને પિતા-પુત્રની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.સી. ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



















