
રાજકોટ: જીવનનગર ખાતે ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ‘જીવનનગર કા વિઘ્નહર્તા’ ગણેશજીની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના સાથે જ મહાદેવધામ ખાતે ધાર્મિક માહોલ છવાયો હતો અને ભક્તોના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગણપતિદાદાના દર્શન કરી રહીશો ભાવવિભોર બન્યા હતા.

સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ ગણેશજીની સ્થાપના પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓનું સ્વાગત કરી જણાવ્યું હતું કે મહોત્સવ દરમિયાન ધાર્મિક ભાવનાની સાથે નાગરિક ધર્મ અને માનવતાને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. રહીશોને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે ઘોંઘાટ, અબીલ-ગુલાલ, કંકુ, ઢોલ-નગારાં તથા માઇક સિસ્ટમથી દૂર રહી શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન, ધ્યાન, આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવે છે.

મહોત્સવ દરમિયાન પ્રસાદનો બગાડ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પ્રસાદમાં ફાસ્ટફૂડ, દાબેલી, પિઝા કે અન્ય ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો નથી. વધેલો પ્રસાદ જરૂરીયાતમંદો સુધી રાત્રિના સમયે જ પહોંચાડવામાં આવે છે. સમગ્ર આયોજનમાં શ્રદ્ધાળુઓની ભક્તિને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે.

મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ, વિનોદરાય ભટ્ટ અને પાર્થ ગોહેલ સહિતના આગેવાનો દ્વારા મહોત્સવની તૈયારીઓ અને સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બે દિવસીય મહોત્સવ અંતર્ગત ગણેશજીની સ્થાપના, મહાઆરતી, દીપમાળા, વિશેષ શણગાર અને રોશની સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિદાદાના વિશેષ શણગારથી મહાદેવધામનું પટાંગણ ભક્તિમય બની ગયું છે.

મહોત્સવમાં રહીશો ઉપરાંત બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મહાદેવધામ કમિટીના નેહાબેન મહેતા, જીગીષાબેન રાવલ, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, ભક્તિબેન ખખ્ખર, કિર્તીબેન કગથરા, વાસંતીબેન ત્રિવેદી, જયોત્સનાબેન ગોહેલ, હિરાબેન બારોટ અને હર્ષાબેન ચોટાઈ સહિતની બહેનો દ્વારા મહાઆરતી, દીપમાળા અને પ્રસાદ વિતરણ સહિતની વિવિધ જવાબદારીઓ સંભાળવામાં આવી હતી.

આ પ્રસંગે પવિત્ર યાત્રાધામના દર્શને જનારા શોભનાબેન ભાણવડિયા અને સુનિતાબેન વ્યાસને સમિતિના પ્રમુખ જયંત પંડયા દ્વારા શ્રીફળ, પ્રસાદ અને ફૂલ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

આવતીકાલે યોજાનારા કાર્યક્રમમાં શહેર ભા.જ.પ.ના હોદ્દેદારો, નગરસેવકો તથા આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. જેમાં જયોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, ઘનશ્યામભાઈ હેરભા, અશ્વિનભાઈ ભોરણીયા, પૂર્વ નગરસેવક ચેતનભાઈ સુરેજા, નિરૂભા વાઘેલા, ડૉ. રાજેશ્રીબેન ડોડીયા, નીતાબેન વઘાસીયા, પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રભારી ધ્યેય દોશી, પ્રમુખ જયેશ ચોવટીયા, કેતનભાઈ મકવાણા, વિપુલ પંડયા સહિતના આગેવાનો હાજરી આપશે.



















