HomeAllમોરબીના કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાની આરતી ઉતારી

મોરબીના કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાની આરતી ઉતારી

મોરબી: રવાપર-ઘુનડા રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક પાર્કના કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા ગણેશોત્સવ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાભર્યું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવના ભાગરૂપે નાની તથા મોટી બાળાઓએ નવદુર્ગાના વિવિધ સ્વરૂપો ધારણ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

બાળાઓએ નવદુર્ગાના વિવિધ સ્વરૂપોમાં સજ્જ થઈ ગણપતિ બાપાની આરતી ઉતારી હતી. બાળાઓના મનમોહક વેશ અને ભક્તિભાવસભર આરતીના દૃશ્યોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

આ પ્રસંગે જાણે સાક્ષાત્ માં નવદુર્ગા ગણપતિ બાપાની આરતી કરવા પધાર્યા હોય તેવા અલૌકિક અને ભાવસભર દૃશ્યો સર્જાયા હતા. બાળાઓની આ સુંદર રજૂઆતને એપાર્ટમેન્ટના રહેવાસીઓ તથા ઉપસ્થિત ભક્તોએ ઉત્સાહપૂર્વક વધાવી હતી.

ગણેશોત્સવ દરમિયાન આયોજિત આ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને ભક્તિભાવના સંસ્કારોનું સિંચન કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments