
મોરબી, 26 સપ્ટેમ્બર, 2026: માર્કેટમાં દર થોડા દિવસે નવા અને મોંઘાદાટ સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યા છે. ખાસ કરીને યુવાઓમાં નવા ફોન ખરીદવાની હોડ વચ્ચે ઘણા લોકો EMI અથવા લોનના માધ્યમથી મોંઘા મોબાઇલ ખરીદી રહ્યા છે. જોકે, હવે આવી ખરીદી કરનારા ગ્રાહકો માટે મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

મોબાઇલ લોનની EMI લાંબા સમય સુધી નહીં ચૂકવનારા ગ્રાહકોના ફોનના કેટલાક મહત્વના ફીચર્સ ડિસેબલ કરવાની બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને મંજૂરી આપવામાં આવી શકે છે. આ અંગેના નવા નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવવાના હોવાનું સામે આવ્યું છે. જોકે, ફોન સંપૂર્ણપણે બંધ નહીં થાય અને જરૂરી સેવાઓ ચાલુ રહેશે.

નવા નિયમ મુજબ EMI બાકી રહી જાય એટલે તરત જ ફોન ડિસેબલ કરી શકાશે નહીં. લોન ડિફોલ્ટની સ્થિતિમાં બેન્કે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. 60 દિવસ સુધી લોનની રકમ બાકી રહે ત્યારે ગ્રાહકને પ્રથમ નોટિસ આપીને 21 દિવસનો સમય આપવો પડશે.

ત્યારબાદ પણ ચુકવણી ન થાય તો બીજી નોટિસ આપીને વધુ 7 દિવસની તક આપવી પડશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને ખાતું 90 દિવસથી વધુ ઓવરડ્યુ રહે ત્યારે જ ફોનના કેટલાક ફીચર્સ ડિસેબલ કરવાની કાર્યવાહી થઈ શકશે.

ગ્રાહકોની જરૂરી સુવિધાઓ બંધ નહીં કરી શકાય

નિયમોમાં ગ્રાહકોની જરૂરી સેવાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડિફોલ્ટની સ્થિતિમાં પણ ઇન્ટરનેટ, ઇનકમિંગ કોલ્સ, ઇમરજન્સી કોલ્સ તેમજ સરકારી અને જાહેર સુરક્ષા સંબંધિત જરૂરી નોટિફિકેશન જેવી સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.

લોનની બાકી રકમ ચૂકવ્યા બાદ ઝડપથી પ્રતિબંધ દૂર કરવો પડશે

જો ગ્રાહક પોતાની બાકી EMI અથવા લોનની રકમ ચૂકવી દે છે, તો ફોન પર મૂકવામાં આવેલા પ્રતિબંધો એક કલાકની અંદર દૂર કરવા પડશે. આ નિયમનો હેતુ લોનની ચુકવણી સુનિશ્ચિત કરવાની સાથે ગ્રાહકોની જરૂરી ડિજિટલ અને સંચાર સુવિધાઓને સુરક્ષિત રાખવાનો હોવાનું જણાવાયું છે.


















