
નવી દિલ્હી: તા, 26 ભારતીય રિઝર્વ બેંક બલ્ક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોને નિયંત્રિત કરતાં માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે. બેંકિંગ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા લાવવા અને બેંકોને તેમની લિક્વિડિટી જરૂરિયાતો અનુસાર થોડી છૂટછાટ આપવાનાં હેતુથી RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ, બેંકોએ દર કામકાજના દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં લાગું પડતાં બલ્ક FDના વ્યાજ દરો જાહેર કરવા પડશે, જેમાં દરો અપડેટ કરવા માટે 10 મિનિટનો સમય મળશે. બેંકોએ ડિપોઝિટર્સને તેમની વેબસાઇટ પર દર્શાવેલ વ્યાજ દરો મુજબ જ ચુકવણી કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, 3 કરોડ રૂપિયા કે તેથી વધુની એકીસાથે કરાતી ફિક્સ્ડ ડિપોઝિટને બલ્ક ડિપોઝિટ ગણવામાં આવે છે, જેના વ્યાજ દરો સામાન્ય FD કરતાં અલગ હોઈ શકે છે. આ સિવાય અન્ય એક મુખ્ય ફેરફાર એ છે કે બેંકો હવે એક જ દિવસમાં સ્વીકારેલી સમાન રકમની બલ્ક ડિપોઝિટ માટે દેશભરની પોતાની તમામ શાખાઓમાં એક સમાન વ્યાજ દર જ ઓફર કરી શકશે. અલગ-અલગ શાખાઓમાં અલગ દરો આપવાની પ્રથા હવે બંધ થશે. જોકે, બેંકો લિક્વિડિટી કવરેજ રેશિયો (LCR) હેઠળ ઉપાડના દરના આધારે અમુક ચોક્કસ સંજોગોમાં વ્યાજ દરોમાં તફાવત રાખી શકશે.
























