
મોરબી, 27 સપ્ટેમ્બર 2026: મોરબી જિલ્લાના મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના પાંચ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે કુલ રૂ. 64.39 લાખના વિવિધ પાણી પુરવઠા વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ મજબૂત બનવાની સાથે નાગરિકોને નિયમિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તથા પાણી પુરવઠા બોર્ડની સંયુક્ત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, પાણી પુરવઠાની કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં મોરબી તાલુકાના ધરમપુર અને વિરપરડા, માળિયા તાલુકાના નાના ભેલા તેમજ ટંકારા તાલુકાના હરબટીયાળી અને મીતાણા ગામોમાં નવા સંપ બનાવવા, નેટવર્ક જોડાણ આપવા, પાઈપલાઈન નાખવા, પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવા તેમજ ટ્રાયલ બોર અને કૂવા નિર્માણ સહિતની કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવી હતી. આ તમામ કામો માટે કુલ રૂ. 64,39,554ના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત બેઠકમાં જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની વર્તમાન ઉપલબ્ધતા તથા જળાશયોમાં રહેલા જીવંત પાણીના જથ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પ્રગતિ હેઠળના વિવિધ પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ તેમજ પાણીવેરા પ્રોત્સાહક યોજનાની કામગીરી અંગે પણ કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે પીવાના પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન થાય તે સુનિશ્ચિત કરવા પણ સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર મહેશ દામા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




















