
મોરબી, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬: મોરબી જિલ્લામાં સ્થાનિક કલાકારોની સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા ‘કલા ઉત્સવ ૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્પર્ધા માટે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’, ‘મેક ઈન ઈન્ડિયા’, ‘જન કલ્યાણકારી યોજનાઓ’, ‘રાષ્ટ્રીય પ્રતીક’, ‘વિકસિત ભારતનું સ્વપ્ન’, ‘આત્મનિર્ભર ભારત’, ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સપ્તધારા વિઝન’ જેવી રાષ્ટ્રભાવનાત્મક થીમ નક્કી કરવામાં આવી છે.

પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને રંગોળીમાં માત્ર ફૂલ, માટી, રેતી, ચોખા, બીજ, પાંદડા તથા પ્રાકૃતિક રંગો જેવી કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે. સ્પર્ધા વ્યક્તિગત અને ગ્રુપ એમ બે વિભાગમાં યોજાશે. વ્યક્તિગત રંગોળી માટે ૧.૫ ફૂટ × ૧.૫ ફૂટ તથા ગ્રુપ રંગોળી માટે ૪ ફૂટ × ૪ ફૂટની સાઈઝ નક્કી કરવામાં આવી છે.

વ્યક્તિગત વિભાગમાં પ્રથમ વિજેતાને રૂ. ૫,૦૦૦, દ્વિતીય ક્રમે બે વિજેતાઓને રૂ. ૩,૦૦૦ તથા તૃતીય ક્રમે ત્રણ વિજેતાઓને રૂ. ૨,૫૦૦નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે ગ્રુપ રંગોળી વિભાગમાં પ્રથમ વિજેતા ગ્રુપને રૂ. ૧૫,૦૦૦, દ્વિતીય વિજેતા ગ્રુપને રૂ. ૧૦,૦૦૦ અને તૃતીય વિજેતા ગ્રુપને રૂ. ૭,૫૦૦નું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક કલાકારોએ https://forms.gle/HXMp86UFKyX6igSn7 લિંક મારફતે ૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મોરબી જિલ્લાના તમામ ઉત્સાહી કલાકારોએ આ તકનો લાભ લઈ મોટી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.





















