HomeAllમોરબીના પરાબજારમાં ઉડતા પથ્થરોથી વેપારીઓ પરેશાન, તાકીદે કોંક્રિટ પેચવર્કની ખાતરી

મોરબીના પરાબજારમાં ઉડતા પથ્થરોથી વેપારીઓ પરેશાન, તાકીદે કોંક્રિટ પેચવર્કની ખાતરી

મોરબી: ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬: મોરબીના મુખ્ય પરાબજાર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાના ખાડા પૂરવા માટે પાથરવામાં આવેલા વેટમિક્સના મોટા પથ્થરો અને ધૂળની ડમરીઓથી વેપારીઓ તથા રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ પરથી વાહનો પસાર થતાં ટાયરમાં ફસાયેલા પથ્થરો ગોળીની માફક ઉછળીને દુકાનોમાં બેઠેલા લોકો તેમજ માલસામાન સુધી પહોંચતા હોવાથી અકસ્માત અને ઈજાનો ભય ઉભો થયો છે.

પરાબજારના વેપારીઓએ જણાવ્યું હતું કે, વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય ડામરકામ ન થતાં છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા યથાવત છે. વરસાદી ખાડા પૂરવા માટે મહાપાલિકા દ્વારા પાથરવામાં આવેલા વેટમિક્સમાં મોટા પથ્થરો હોવાથી વાહનોની અવરજવર દરમિયાન પથ્થરો ઉછળે છે, જ્યારે ધૂળના કારણે દુકાનોમાં માલસામાન પર પણ રજકણોના થર જામી રહ્યા છે.

વેપારીઓએ આ સમસ્યા અંગે અગાઉ પણ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક રજૂઆતો કરી હોવા છતાં યોગ્ય નિરીક્ષણ કે કાયમી ઉકેલ ન આવ્યાનો આક્ષેપ કર્યો હતો. રોષે ભરાયેલા વેપારીઓએ એકઠા થઈ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી. વેપારીઓએ કટાક્ષ સાથે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિને જોતા પરાબજાર માર્ગનું નામ બદલીને ‘ઉડતા પથ્થર’ અથવા ‘ઉડતા રજકણ’ રાખવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વેપારીઓની રજૂઆત દરમિયાન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સમગ્ર સમસ્યા રજૂ કરવામાં આવી હતી. આ સમયે મંત્રી કાંતિલાલ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. વેપારીઓની રજૂઆત સાંભળ્યા બાદ કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન વરસાદ ચાલુ હોવાથી સીસી રોડ કે કોંક્રિટનું કામ કરવું શક્ય નહોતું. હવે વરસાદે વિરામ લીધો હોવાથી રસ્તા પર રહેલા મોટા પથ્થરો તાત્કાલિક દૂર કરવામાં આવશે અને કોંક્રિટથી પેચવર્ક કરવામાં આવશે.

આ કામ પૂર્ણ થયા બાદ તેને સુકાવા માટે આશરે એક અઠવાડિયાનો સમય લાગશે તેમ જણાવાયું હતું. સાથે જ આગામી એક મહિનામાં શહેરના મોટાભાગના મુખ્ય માર્ગોના નવા કામો પણ પૂર્ણ ગતિએ શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments