
ગુજરાત: હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ ન્યાયિક અધિકારી દ્વારા પ્રેક્ટિસ કરતા વકીલ સાથે સંબંધ કે વાતચીત રાખવી, વકીલ પાસેથી ફોન સ્વીકારવો અને તેનો ઉપયોગ કરવો એ ગેરવર્તણૂક ગણાય છે. આ સાથે અર્ધ્યાયિક અધિકારીને સેવાઓમાંથી બરતરફ કરવાના નિર્ણયને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. ન્યાયિક અધિકારી દ્વારા પોતાની બરતરફીને પડકારતી પિટિશન પર સુનાવણી કરતા હાઇકોર્ટે આ અવલોકન કર્યું છે. અધિકારી સામે એવા ગંભીર આરોપો હતા કે તેઓ એજન્ટો દ્વારા અનુકૂળ હુકમો કરાવવા માટે પાંચ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા.

આ ઉપરાંત, તેમની પાસે અલગ-અલગ કંપનીના ચાર મોબાઈલ ફોન અને અલગ-અલગ સિમ કાર્ડ હતા, જેમાંથી ત્રણ ફોન ત્રીજા પક્ષના નામે નોંધાયેલા હતા. એવો પણ આરોપ હતો કે તેઓ આ મોબાઈલનો ઉપયોગ મુકદ્દમાના પક્ષકારો સાથે સંપર્ક સાધવા અને સોદાબાજી કરવા માટે કરતા હતા. ખાસ કરીને, એક મોબાઈલ નંબર વડોદરાના એક પ્રેક્ટિસ કરતા વકીલના નામે રજીસ્ટર્ડ હતો અને ન્યાયિક અધિકારી તે નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે અન્ય એક મોબાઈલ નંબરથી ચાર મહિનામાં 6,444 કોલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 188 કોલ તે વકીલને કરવામાં આવ્યા હતા.

જો કે, તપાસ અધિકારી સમક્ષ એવી કોઈ પુરાવા મળ્યા ન હતા કે ન્યાયિક અધિકારી પક્ષકારો પાસેથી લાંચ માંગવા કે લેવા માટે ફોનનો ઉપયોગ કરતા હતા, જેને સ્ટેન્ડિંગ કમિટીએ પણ માન્ય રાખ્યું હતું. પરંતુ કમિટીએ તારણ કાઢ્યું હતું કે વકીલ સાથેની નિકટતા, અસંખ્ય કોલ કરવા અને પ્રેક્ટિસ કરતા વકીલ પાસેથી સિમ કાર્ડ સાથેનો મોબાઈલ સ્વીકારવો તે અયોગ્ય તરફેણ સ્વીકારવાાની સાબિતી આપે છે. જસ્ટિસ એન. એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે.

એલ. ઓડેદરાની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું હતું કે શિસ્ત સત્તામંડળ અને કમિટીનો નિર્ણય સંપૂર્ણપણે યોગ્ય હતો. કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ ન્યાયિક અધિકારી પ્રેક્ટિસ કરતા વકીલ પાસેથી ફોન સ્વીકારે અને તેની સાથે સતત વાતચીત કરે, તો તે પોતાનામાં જ અયોગ્ય વર્તન છે. ન્યાયિક અધિકારીઓએ કોઈપણ પ્રકારની શંકા કે અયોગ્યતા ટાળવા માટે વકીલોથી યોગ્ય અંતર જાળવવું અનિવાર્ય છે. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે બહુવિધ મોબાઈલ ફોન રાખવા અને મહિલા વકીલ સાથે સતત વાતચીત કરવા જેવું વર્તન જોતાં ફુલ કોર્ટ દ્વારા આપવામાં આવેલી બરતરફીની સજા જ એકમાત્ર યોગ્ય સજા હતી. આવા આરોપો ન્યાયિક અધિકારીની પ્રામાણિકતા પર સીધા સવાલો ઊભા કરે છે, જેને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે પિટિશન ફગાવી દીધી છે.






















