HomeAllપોરબંદરમાં ગાંધી જયંતિએ બાપુને ભાવાંજલિ, સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ

પોરબંદરમાં ગાંધી જયંતિએ બાપુને ભાવાંજલિ, સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ

પોરબંદર: : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સર્વધર્મ પ્રાર્થના પરસ્પર આદર, શાંતિ, સમરસતા અને રાષ્ટ્ર એકતાને મજબૂત બનાવે છે. ગાંધીજીના સત્ય, અહિંસા, સર્વોદય અને વિશ્વબંધુત્વના વિચારો આજે પણ પ્રાસંગિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના `સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે છેવાડાના માનવીના કલ્યાણને પ્રાધાન્ય અપાઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું.

ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને અનુરૂપ સ્વચ્છ ભારત મિશનને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે, જ્યારે સ્વરાજના વિચારને આત્મનિર્ભર ભારત સાથે જોડવામાં આવ્યો છે તેમ તેમણે જણાવ્યું. 2047 સુધી વિકસિત ભારતના નિર્માણ માટે આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને `રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે આગળ વધવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીજીની અહિંસા અને સત્યની વિચારધારા આજે પણ વિશ્વ માટે માર્ગદર્શક હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્વચ્છતાને માત્ર ઉજવણી નહીં પરંતુ દૈનિક જીવનનો ભાગ બનાવવા અનુરોધ કર્યો.

પ્રાર્થના સભામાં ભાઈશ્રી રમેશ ઓઝા સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કલાકારોએ પ્રાર્થના અને ભાવમય ગીતોની રજૂઆત કરી હતી. ગાંધી જયંતિએ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ખાદીની ડિજિટલ પેમેન્ટથી ખરીદી કરી : `ડિજિટલ ભારત’ના સંકલ્પને વેગ આપ્યો ગાંધીનગર : ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ખાદી ગ્રામોદ્યોગ હાટની મુલાકાત લઈ વિવિધ ખાદી વસ્ત્રોની ખરીદી કરી હતી. તેમણે ડિજિટલ પેમેન્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આહવાનને પણ વેગ આપ્યો હતો.

પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા બાદ ગાંધીનગર પરત ફરેલા મુખ્યમંત્રીએ ખાદી ખરીદી હતી. વડાપ્રધાનની `ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન’ની અપીલને અનુસરીને ખાદી ખરીદી દ્વારા વણાટ સાથે સંકળાયેલા જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક આધાર મળે તેવા પ્રયાસને વેગ આપ્યો હતો. આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments