HomeAllકલામંદિર સંગીત ક્લાસના 10 વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ઝોન-3માં મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન

કલામંદિર સંગીત ક્લાસના 10 વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ઝોન-3માં મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન

મોરબી, તા. 06 ઓક્ટોબર, 2026: મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે તા. 4 ઓક્ટોબરના રોજ કલા મહાકુંભ ઝોન-3 અંતર્ગત વિવિધ કલા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો.

વિવિધ વયજૂથ અને સ્પર્ધાત્મક કેટેગરીમાં કલામંદિર સંગીત ક્લાસના કુલ 10 વિદ્યાર્થીઓએ પ્રથમથી તૃતીય ક્રમ સુધીના સ્થાન પ્રાપ્ત કરી સંસ્થા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

સ્પર્ધામાં લોકગીતની 6 થી 14 વર્ષ કેટેગરીમાં સાદરિયા મીરા મનીષભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. હાર્મોનિયમ વાદનમાં 6 થી 14 વર્ષના વયજૂથમાં પટેલ ચંદ્રા દિપકભાઈએ પ્રથમ ક્રમ, જ્યારે 15 થી 20 વર્ષના વયજૂથમાં ગરચર સોહમ મહેશભાઈએ પ્રથમ અને સુરાણી કીર્તન હર્ષદભાઈએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

ભજન સ્પર્ધામાં 6 થી 14 વર્ષના વયજૂથમાં કગથરા મોનીત અમિતભાઈ અને કોટડિયા રિયાન ધર્મેન્દ્રભાઈએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. લોકગીતની 15 થી 20 વર્ષની કેટેગરીમાં ડાભી શ્રદ્ધા રમેશભાઈએ દ્વિતીય તથા સુરાણી વૃંદા હરેશ્વરીબેને તૃતીય ક્રમ મેળવ્યો હતો.

તબલા વાદનની 6 થી 14 વર્ષની કેટેગરીમાં પરમાર નીરવ હિતેષભાઈએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે સુગમ સંગીતની 6 થી 14 વર્ષની કેટેગરીમાં અઘારા ધ્યાનિ રજનીભાઈએ તૃતીય ક્રમ મેળવી સફળતા હાંસલ કરી હતી.

આ રીતે કલામંદિર સંગીત ક્લાસના 10 વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ઝોન-3માં વિવિધ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ કલામંદિર સંગીત ક્લાસના સંચાલક દેવેનભાઈ વ્યાસે તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments