HomeAllમોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી

દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને આત્મનિર્ભરતા પર ભાર મૂકાયો; ડ્રોપઆઉટ દીકરીઓને પુનઃ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરાઈ

મોરબી, તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીઓના શિક્ષણ, અધિકારો, સુરક્ષા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ ‘End Child Marriage and Invest in Girls’ Rights’ અંતર્ગત બાળલગ્ન અટકાવવા અને દીકરીઓના અધિકારોમાં રોકાણ કરવા પર વિશેષ ભાર મૂકાયો હતો.

કારકિર્દી ઘડતર માટે કલેક્ટરનું માર્ગદર્શન

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિદ્યાર્થીનીઓને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આજની દીકરીઓ વિજ્ઞાન, રમતગમત અને વહીવટી સેવાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે યોગ્ય આયોજન, સતત મહેનત, વર્તમાન પ્રવાહોની જાણકારી અને દૃઢ આત્મવિશ્વાસ જરૂરી છે. તેમણે દીકરીઓને શિક્ષણ દ્વારા પોતાની ક્ષમતાઓ વિકસાવી જીવનમાં ઊંચાં લક્ષ્યો હાંસલ કરવા પ્રેરિત કરી હતી.

અભ્યાસ છોડી દેનાર દીકરીઓ સાથે સીધો સંવાદ

દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને ડ્રોપઆઉટ દર ઘટાડવાના હેતુથી કલેક્ટરશ્રીએ ધોરણ-૧૨ પૂર્ણ કર્યા બાદ વિવિધ કારણોસર આગળનો અભ્યાસ છોડી દેનાર દીકરીઓ સાથે વ્યક્તિગત બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે દીકરીઓની મુશ્કેલીઓ જાણી શિક્ષણના મહત્વ અંગે સમજ આપી હતી. શિક્ષણ આત્મનિર્ભરતા અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત આધાર છે તેમ જણાવી તેમણે દીકરીઓને પુનઃ અભ્યાસ શરૂ કરી પોતાનાં સપનાં સાકાર કરવા પ્રોત્સાહિત કરી હતી.

નવજાત દીકરીઓ અને તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં જન્મેલી નવજાત દીકરીઓને આવકારવા ‘દીકરી વધામણા કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલી તેજસ્વી વિદ્યાર્થીનીઓને ‘એજ્યુકેશન કીટ’ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

વૃક્ષારોપણ સાથે દીકરીઓના અધિકારોનો સંદેશ

કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓએ દીકરીઓના અધિકારો, શિક્ષણનું મહત્વ અને આત્મનિર્ભરતા જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

કાર્યક્રમના માધ્યમથી બાળલગ્ન જેવી સામાજિક કુરિવાજોને અટકાવવા, દીકરીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને શિક્ષણમાં સમાન તકો ઉપલબ્ધ કરાવવા સમાજના તમામ વર્ગોને સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments