ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા આરોગ્ય વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ; ‘Khushi’નું રાષ્ટ્રીય સ્તરે વર્ચ્યુઅલ લોન્ચિંગ

મોરબી, તા. ૦૯ ઓક્ટોબર, ૨૦૨૬: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશને ટીબી મુક્ત બનાવવાના હેતુથી ચલાવવામાં આવી રહેલા ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં JOSH (Joint Squad for Health) ટીમના માધ્યમથી વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૦૮ ઓક્ટોબરના રોજ યોજાયેલી આ પ્રવૃત્તિઓમાં મોરબીના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં ટીબી નાબૂદી, સમયસર નિદાન, નિયમિત સારવાર અને દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.


પ્રધાનમંત્રીના માર્ગદર્શન અનુસાર ટીબી નાબૂદીના પ્રયાસોને વધુ અસરકારક બનાવવા ‘ટીબી મુક્ત ભારત ટીમ’ની રચના કરવામાં આવી છે. તેના ભાગરૂપે JOSH ટીમ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં જનજાગૃતિ, સામુદાયિક સંપર્ક અને માહિતી, શિક્ષણ તથા સંચારલક્ષી (IEC) પ્રવૃત્તિઓ હાથ ધરી રહી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ ટીબી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી નાગરિકોને રોગનાં લક્ષણો, નિદાન અને સારવાર વિશે યોગ્ય માહિતી પૂરી પાડવાનો છે.

મોરબી જિલ્લામાં યોજાયેલી પ્રવૃત્તિઓ દરમિયાન ટીબી મુક્ત ગ્રામ પંચાયતો, ટીબી વિજેતાઓ અને નિશ્ચય મિત્રોને સન્માનિત કરવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા, દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવા અને તેમને સારવાર દરમિયાન મળવાપાત્ર સહાય અંગે માહિતગાર કરવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

JOSH ટીમ દ્વારા ઘર-ઘર સુધી ટીબી અંગેની સાચી માહિતી પહોંચાડવા, રોગનાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તથા ડૉક્ટરની સલાહ મુજબ સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવા નાગરિકોને સમજાવવામાં આવ્યા હતા. ટીબીના દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ કેળવવા અને રોગને લઈને પ્રવર્તતી સામાજિક ગેરમાન્યતાઓ દૂર કરવા માટે પણ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાનને વધુ અસરકારક બનાવવા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો, MY Bharat સ્વયંસેવકો તેમજ અન્ય સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓએ સહયોગ આપ્યો હતો. ટીબીના દર્દીઓ સાથે સંવાદ અને સામુદાયિક સહભાગિતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને ટીબી નાબૂદીના રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરવામાં આવી હતી.

નવી દિલ્હી ખાતે JOSH (Joint Squad for Health) ટીમોના રાષ્ટ્રીય સ્તરના લોન્ચિંગ કાર્યક્રમમાં મોરબીના સંબંધિત અધિકારીઓ અને ટીમના સભ્યો વર્ચ્યુઅલ માધ્યમથી લાઇવ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ‘Khushi’નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલ ગરચર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્રના સંકલિત પ્રયાસોથી ટીબી અંગે જનજાગૃતિ વધારવા, દર્દીઓને સમયસર સારવાર માટે પ્રોત્સાહિત કરવા અને સામુદાયિક સહભાગિતા મજબૂત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે જનસહયોગ અને જાગૃતિને અભિયાનના મુખ્ય આધાર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.


















