પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટ્યું, રાસ-ગરબાની રમઝટ વચ્ચે ત્રણ ગ્રુપની બાળાઓએ મોહી લીધાં સૌનાં મન

રાજકોટના: જીવનનગરમાં જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવ ધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૪૫મા વર્ષે જીવનનગર પ્રાચીન ગરબી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. રહીશ દાતાઓના હસ્તે રિબીન કાપીને અને દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રથમ નોરતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર વિસ્તાર ભક્તિ, ઉત્સાહ અને રાસ-ગરબાના રંગે રંગાયો હતો.

મહોત્સવનો પ્રારંભ દાતાઓ ભરતભાઈ જોબનપુત્રા, વિપુલભાઈ દવે, જગદીશભાઈ નિમાવત, વૈશાલીબેન જોબનપુત્રા, પૂજાબેન દવે અને સોનલબેન નિમાવતના હસ્તે કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય સાથે માતાજીની આરાધના કરી નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

પ્રાચીન ગરબીની પરંપરા જાળવવાનો અનોખો પ્રયાસ

સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે જીવનનગરમાં છેલ્લા ૪૫ વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરા અને તેના મૂળ હાર્દને જાળવી રાખવામાં આવ્યું છે. બાળાઓની કળા, કૌશલ્ય અને પરંપરાગત રાસ-ગરબાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્રણ અલગ-અલગ ગ્રુપની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવતા રાસ-ગરબા દર્શકોને મંત્રમુગ્ધ કરે છે. પરિવાર સાથે ગરબી નિહાળવા આવતા લોકો માટે આ મહોત્સવ વિશેષ આકર્ષણ બની રહ્યો છે.

માતાજીનો શણગાર અને રાસ-ગરબાની રમઝટ

મહોત્સવના મુખ્ય વ્યવસ્થાપકો સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા અને પાર્થ ગોહેલ સહિતના કાર્યકરોએ માતાજીનો આકર્ષક શણગાર, મહાઆરતી, દીપમાળા અને રોશનીની સુંદર વ્યવસ્થા કરી હતી. પ્રથમ નોરતે બાળાઓએ પરંપરાગત રાસ-ગરબાની મનમોહક રજૂઆત કરી હતી, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

બાળાઓને તાલીમ આપવામાં મહિલા મંડળનું યોગદાન

ગરબીમાં ભાગ લેતી બાળાઓને રાસ-ગરબાની તાલીમ આપવા અને આયોજનને સફળ બનાવવા સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડિયા, યોગિતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડ્યા, ભારતીબેન ગંગદેવ, નેહાબેન મહેતા, કીર્તિબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર અને આશાબેન મજેઠીયા સહિતની બહેનોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

પરંપરાગત રાસની વિવિધ શૈલીઓ આકર્ષણનું કેન્દ્ર

પ્રાચીન ગરબીમાં બાળાઓ દ્વારા તાળી, ખંજરી, બેડા, દીવડા, સાડી અને ટીપ્પણી સહિતની વિવિધ પરંપરાગત શૈલીઓમાં રાસ રજૂ કરવામાં આવે છે. આ અનોખી રજૂઆતો ગરબીની પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાની સાથે ઉપસ્થિત દર્શકો માટે વિશેષ આકર્ષણ બની રહી છે.


સમિતિના પ્રમુખનું સન્માન

પ્રથમ નોરતે રહીશો અને દાતાઓ દ્વારા સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાનું સન્માન કરવામાં આવ્યું હતું. જીવનનગર વિસ્તારમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવવા અને વર્ષોથી સતત સેવાકીય કામગીરી કરવા બદલ તેમની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.

મહોત્સવને સફળ બનાવવા વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, જયેશ લશ્કરી, અનંતભાઈ ગોહેલ, ચિરાગ મહેતા, વિવેક રાવલ સહિતના કાર્યકરો અને રહીશો સતત સેવા આપી રહ્યા છે. જીવનનગરની આ પ્રાચીન ગરબી નવરાત્રિના પર્વમાં ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પ્રતીક બની રહી છે.













