
માહિતી મોરબી, ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી સ્થિત GMERS મેડિકલ કોલેજ દ્વારા તા. ૧૫ ઓક્ટોબરના રોજ વિશ્વ એનાટોમી દિવસની ઉજવણીના ભાગરૂપે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ અંતર્ગત મહાનગરપાલિકા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.


વિશ્વ એનાટોમી દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ શરીરની રચના અને વિવિધ અંગતંત્રોની કાર્યપદ્ધતિ અંગે વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવું, તબીબી અભ્યાસમાં એનાટોમી વિષયનું મહત્ત્વ સમજાવવું તેમજ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરવાનો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સર્જનાત્મક અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેલ મહાકુંભમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સે ટેબલ ટેનિસ સહિતની રમતગમત સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિવિધ સ્પર્ધાઓ અને વયજૂથમાં મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા બનેલા પ્રતિનિધિઓ રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં મોરબી મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે.

મેડિકલ કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે રમતગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સર્જનાત્મકતા અને પ્રસ્તુતિકરણ કૌશલ્યનો વિકાસ થાય તેમજ સર્વાંગી વ્યક્તિત્વ ઘડતર થાય તે માટે કોલેજના ડીન ડો. નીરજકુમાર બિશ્વાસ અને સમગ્ર સ્ટાફ દ્વારા સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવે છે.























