
નવી: દિલ્હી તા, 28 : જો તમે પણ રોજિંદા કામ માટે એક્સપ્રેસવેનો ઉપયોગ કરો છો, તો ઓવર સ્પીડિંગના કારણે ચલાન કપાવાનો ડર હવે હંમેશા માટે દૂર થઈ જશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે નક્કી કરેલી સ્પીડ લિમિટ કરતાં 20 ટકા સુધી વધુ ઝડપે વાહન ચલાવવા પર કોઈ ચલાન નહીં કાપવામાં આવે. ઉદાહરણ તરીકે, જો કોઈ એક્સપ્રેસવે પર મહત્તમ સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક છે,

તો તમે 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ સુધી વાહન ચલાવશો તો પણ તમારું ચલાન નહીં થાય અને તમે નિશ્ર્વિતં થઈને મુસાફરી કરી શકશો. તેમણે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે હાઈવે અને એક્સપ્રેસવે પર 120 કિમી પ્રતિ કલાક કે તેનાથી 20 ટકા વધુ સ્પીડ પર દોડતા વાહનો પર પણ દંડ ન વસૂલવામાં આવે.જોકે, જો વાહનની સ્પીડ 120 કિમી પ્રતિ કલાકથી 20 ટકા વધુ એટલે કે 144 કિમી પ્રતિ કલાકની મર્યાદા વટાવી જશે, તો ચોક્કસપણે ચલાન કાપવામાં આવશે અને નિયમો મુજબ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય નેશનલ હાઈવે પર ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અને સુરક્ષા વધારવા માટે સરકાર ટૂંક સમયમાં ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ લગાવવા જઈ રહી છે.

























