HomeAllતરઘડી ગામના સ્મશાનમાં કાળી ચૌદશની ઉજવણી દરમિયાન અંધશ્રદ્ધા સામે જાગૃતિ કાર્યક્રમ યોજાશે

તરઘડી ગામના સ્મશાનમાં કાળી ચૌદશની ઉજવણી દરમિયાન અંધશ્રદ્ધા સામે જાગૃતિ કાર્યક્રમ યોજાશે

૨૮-૧૦-૨૦૨૬: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામના સ્મશાનમાં આગામી ૭ નવેમ્બરના રોજ કાળી ચૌદશ નિમિત્તે અંધશ્રદ્ધા નિવારણ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. જાથા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેલીવિદ્યા, ભૂત-પ્રેત અને કાળી ચૌદશ સાથે જોડાયેલી ભયજનક માન્યતાઓ સામે વૈજ્ઞાનિક અભિગમ અને જનજાગૃતિનો સંદેશ આપવામાં આવશે. રાત્રે ૮ વાગ્યે શરૂ થનારા કાર્યક્રમમાં ગ્રામજનો અને વિજ્ઞાનપ્રેમીઓ જોડાશે.

જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર, કાળી ચૌદશને લઈને સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, ભ્રામક માન્યતાઓ અને નિરર્થક ક્રિયાકાંડો દૂર કરવાના હેતુથી છેલ્લા ૩૪ વર્ષથી તરઘડી ગામના સ્મશાનમાં આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે પણ લોકસહકારથી વિવિધ પ્રયોગો અને પ્રદર્શન દ્વારા લોકોમાં આત્મવિશ્વાસ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમ અંતર્ગત ગામના પંચાયત ચોકથી સ્મશાન સુધી ભૂત-પ્રેતના પ્રતીકાત્મક સરઘસ અને મશાલ સરઘસનું આયોજન કરવામાં આવશે. મેલીવિદ્યાની નનામીમાં મહિલાઓ કાંધ આપશે અને ત્યારબાદ પ્રતીકાત્મક નનામીને અગ્નિદાહ આપવામાં આવશે. મેલીવિદ્યાના નામે ફેલાવવામાં આવતા ભય અને ભ્રામક માન્યતાઓનો પર્દાફાશ કરવા નાટકીય પ્રસ્તુતિઓ પણ યોજાશે.

સ્મશાનમાં કકડાટના વડા-ભજીયા આરોગવા અને મેલીવિદ્યાની નનામી ઉપર ચા બનાવીને પીવા જેવા પ્રયોગો દ્વારા કાળી ચૌદશ સાથે જોડાયેલા ભયને પડકારવામાં આવશે. જાથાનો દાવો છે કે આવા કાર્યક્રમોનો હેતુ લોકોના મનમાંથી ભૂત-પ્રેત, મેલીવિદ્યા અને કહેવાતી અશુભ શક્તિઓનો ભય દૂર કરી આત્મવિશ્વાસ વધારવાનો છે.

જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે મેલીવિદ્યાના નામે લોકોને ડરાવીને છેતરવાના કિસ્સાઓ સામે સમાજે જાગૃત થવાની જરૂર છે. કકડાટના વડા-ભજીયા જેવી પ્રથાઓને કારણે ખાદ્યસામગ્રીનો બગાડ ન થાય અને જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તેવો અભિગમ અપનાવવાની પણ તેમણે અપીલ કરી હતી.

જાથા દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા નિવારણ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટ, અમદાવાદ, મોરબી, જામનગર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરી કાયદાકીય મંજૂરીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો યોજવાનું આયોજન છે.

કાર્યક્રમમાં જાથાના કાર્યકરો, શુભેચ્છકો, જાગૃત નાગરિકો અને વિજ્ઞાનપ્રેમીઓને જોડાવા અપીલ કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ, કાળી ચૌદશને ભયના બદલે જાગૃતિ અને વૈજ્ઞાનિક વિચારધારાના સંદેશ સાથે ઉજવવાનો આ પ્રયાસ રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments