અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર કરશે. દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની નાણાકીય સહાય મળવાની ધારણા છે, જેમાં ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારો માટેના રૂ. 1051 કરોડથી વધુનો સમાવેશ થાય છે.

ગુજરાતના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ બુધવારે ભીલડીની મુલાકાત દરમિયાન કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવા સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. વાઘાણીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કૃષિ અને પશુપાલન સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવામાં આવશે. જેમાં રૂ. 328.77 કરોડના ખર્ચે બનેલા ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન તેમજ થરાદ અને રાધનપુર ખાતે આવેલી બનાસ ડેરીની સુવિધાઓમાં બે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ સામેલ છે.

વડા પ્રધાન બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન ફેસિલિટી તેમજ અલ્ટ્રા-હાઇ-ટેમ્પરેચર પ્રોસેસિંગ અને ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રીવલ સિસ્ટમનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ-કિસાન યોજનાના પ્રથમ 23 હપ્તાઓ હેઠળ, સમગ્ર ભારતમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 4.47 લાખ કરોડથી વધુની રકમ મળી ચૂકી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ. 24,137 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. .

પીએમ કિસાન યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિને 2000 રૂપિયાનો હપ્તો મળે છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે. જે અંતર્ગત 2,000 નો દરેક હપ્તો સીધો લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જો કે, જે ખેડૂતોએ હજુ સુધી તેમનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી, તેમણે વહેલી તકે તે પૂર્ણ કરી લેવું જોઈએ. જો તમારું ઈ-કેવાયસી અથવા અન્ય માહિતી ખોટી હશે, તો તમને આ રકમ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
























