વિદ્યાર્થીઓને IAS, IPS સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કર્યા, શાળાઓમાં સુવિધાઓ સુધારવા જરૂરી સૂચનો આપ્યા

મોરબી, તા. ૨૯ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા, મધ્યાહન ભોજન વ્યવસ્થા તેમજ શાળાઓમાં ચાલી રહેલાં વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે શાળાના આચાર્યો અને શિક્ષકોને શૈક્ષણિક કામગીરીમાં સુધારો લાવવા તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યાં હતાં.

કલેક્ટરશ્રીએ RMSA સરકારી માધ્યમિક શાળા, કડીયાણાની મુલાકાત દરમિયાન શૈક્ષણિક સાધનો, ગુણોત્સવના રિપોર્ટ કાર્ડ, વર્ગખંડો, સ્વચ્છતા, સેનિટેશન, પીવાના પાણીની સુવિધા તેમજ શાળામાં ચાલી રહેલા વર્ગખંડના બાંધકામની તપાસ કરી હતી. તેમણે શાળામાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરીને જરૂરી સુધારાત્મક પગલાં લેવા સૂચના આપી હતી.

ત્યારબાદ કડીયાણા પે.સેન્ટર પ્રાથમિક શાળાની પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, આત્મવિશ્વાસ અને ધ્યેયનિષ્ઠા સાથે અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ IAS, IPS અને કલેક્ટર જેવા ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવા માટે અત્યારથી જ લક્ષ્ય નક્કી કરીને નિયમિત અભ્યાસ અને તૈયારી કરવા માર્ગદર્શન આપ્યું હતું.

શાળામાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા અને પીવાના પાણીની સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, શાળામાં પ્રાર્થનાસભા માટે હોલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ પીએમ શ્રી શાળા નંબર-૪, હળવદની મુલાકાત દરમિયાન ગુણોત્સવના રિપોર્ટ કાર્ડના આધારે શાળાની શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમાં વધુ સુધારો લાવવા જરૂરી સૂચનો આપ્યાં હતાં. વિદ્યાર્થીઓ વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે તે માટે યોગ્ય આયોજન, માર્ગદર્શન અને તૈયારી કરાવવા શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત શાળામાં CWSN ટોયલેટ, સેનિટેશન વ્યવસ્થા, વર્ગખંડો, લાઇબ્રેરી, મધ્યાહન ભોજન વ્યવસ્થા, ઔષધીય ગાર્ડન અને ઓક્સિજન ગાર્ડનની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.

આ મુલાકાતનો મુખ્ય હેતુ સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહિત કરવા તેમજ શાળાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ અને સ્વચ્છતાની વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાનો હતો.




















