
વિદ્યાર્થીઓના: સર્વાંગી વિકાસ તથા કલ્યાણ અર્થે તેમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા કલ્યાણ અર્થે તેમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને આત્મહત્યા નિવારણ માટે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અન્વયે હવે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ અને આત્મહત્યા નિવારણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવી ફરજિયાત બનશે. ઉલ્લેખનીય છે કે પરીક્ષાઓમાં વધતી જતી સ્પર્ધા વચ્ચે, વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે.

પરીક્ષાઓની તૈયારી, ઉચ્ચ ગુણ મેળવવાની સ્પર્ધા, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, સામાજિક-આર્થિક પરિસ્થિતિઓ, ભવિષ્યની ચિંતા અને પરિવારની અપેક્ષાઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માનસિક તણાવ, પ્રદર્શન સંબંધિત ચિંતા, આત્મવિશ્વાસનો અભાવ અને હતાશા જેવા લક્ષણોનો સામનો કરી રહ્યા છે. રાજ્યની ભાવી પીઢી અને આવતીકાલના વિકસિત ગુજરાતના ઘડવૈયાઓ એટલે કે આજના વિદ્યાર્થીઓની આ જ્વલંત સમસ્યા પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શિક્ષણ વિભાગ દ્વારા મજબૂત પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને શિક્ષણ મંત્રી ડૉ.

પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતિ રિવાબા જાડેજાના માર્ગદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં નવી જોગવાઈ તરીકે વિનિયમ-16(અ) ઉમેર્યો છે. આ સાથે પરિશિષ્ટ-8માં વિદ્યાર્થિયોંના માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ તથા આત્મહત્યા નિવારણ માટે વિગતવાર વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. આ જોગવાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન ધોરણ 9-10ની માધ્યમિક તથા ધોરણ 11-12ની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

સુપ્રીમ કોર્ટના એક ચુકાદામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાહેર કરવામાં આવેલી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગેની 15 બંધનકર્તા માર્ગદર્શિકાઓ તથા ચાર નિર્દેશોને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયે આ ચુકાદાના અમલ માટે રાજ્યોને સૂચના આપી હતી. NCERT દ્વારા તૈયાર કરવામાં આવેલી UMMEED એટલે કે Understand (સમજો), Motivate (પ્રેરણા આપો), Manage (વ્યવસ્થા કરો), Empathise (સહાનુભૂતિ આપો), Empower (સશક્ત બનાવો), Develop (વિકાસ કરો) માર્ગદર્શિકાઓને પણ આધારરૂપ સંદર્ભ તરીકે સ્વીકારવામાં આવી છે. શું છે નવી જોગવાઈ?

વિનિયમ 16(અ) મુજબ, “વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા કલ્યાણ અર્થે તેમના માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને સુરક્ષા સર્વોપરી છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે નિયમિત કાઉન્સેલિંગ, જાગૃતિ કાર્યક્રમો અને સમયસર માનસિક સ્વાસ્થ્ય, સુરક્ષા અને તણાવમુક્ત વાતાવરણનું નિર્માણ કરવા પરિશિષ્ટ-8 માં દર્શાવેલ જોગવાઈઓ અંતર્ગત નિયત કાર્યવાહી કરવાની રહેશે. જેથી માનસિક તણાવમાં રહેતા અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો ધરાવતા વિદ્યાર્થીઓની વહેલી ઓળખ કરી, તેમને ત્વરિત અને સંવેદનશીલ સંસ્થાકીય મદદ પૂરી પાડી શકાય.”દરેક શાળામાં બનશે ‘સ્કૂલ વેલનેસ ટીમ’

નવી વ્યવસ્થા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) માં રજિસ્ટર્ડ થયેલ ધોરણ 9 થી 12 ની દરેક શાળામાં ફરજિયાત ‘સ્કૂલ વેલનેસ ટીમ’ (SWT) ની રચના કરવાની રહેશે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારીની જાળવણી ઉપરાંત આત્મહત્યા અથવા અન્ય ગંભીર જોખમી પરિસ્થિતિમાં ત્વરિત અને અસરકારક કાર્યવાહી થઈ શકે તે માટે ટીમને તાલીમબદ્ધ કરવામાં આવશે. સ્કૂલ વેલનેસ ટીમમાં શાળાના આચાર્ય ટીમ લીડર અને શાળા કાઉન્સેલર અથવા નિયત કરેલ શિક્ષક ટીમ કો-ઓર્ડિનેટર તરીકે રહેશે, જ્યારે કે સભ્ય તરીકે માધ્યમિક (ધો. 9-10) અને ઉચ્ચતર માધ્યમિક (ધો.

11-12) માં થી એક-એક શિક્ષક, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના એક પ્રતિનિધિ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાંથી એક-એક પીઅર મોનિટર અથવા લીડર (મનો-મિત્ર) અને એક બિન-શૈક્ષણિક કર્મચારીનો સમાવેશ થશે. દર વર્ષે શૈક્ષણિક સત્રના પ્રારંભે SWTની રચના કરવાની રહેશે અને તેની કામગીરીની વાર્ષિક સમીક્ષા કરવી ફરજિયાત રહેશે.

‘મનો-મિત્ર’ બનશે વિદ્યાર્થીઓનો ભાવનાત્મક સહારો : UMMEED ગાઇડલાઇનના અનુસંધાને શાળા કક્ષાએ ‘પીઅર સપોર્ટ’ ની અસરકારક વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા અર્થે ‘મનો-મિત્ર’ ની નિયુક્તિ કરવાની રહેશે. મનો-મિત્ર વિદ્યાર્થીઓને પ્રાથમિક સ્તરે ભાવનાત્મક સહયોગ પૂરો પાડશે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ ઉપચારાત્મક પગલાં તરફ દોરી જશે તેમજ સહપાઠીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો અને પરસ્પર સહકારની ભાવના સુદૃઢ કરશે.

100 થી વધુ વિદ્યાર્થી હોય તો કાઉન્સેલર ફરજિયાત : 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાઓમાં, બાળ અને કિશોરાવસ્થાના માનસિક સ્વાસ્થ્ય વિષયક તાલીમ મેળવેલ ઓછામાં ઓછા એક લાયકાત ધરાવતા કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક અથવા સામાજિક કાર્યકર્તાની નિયુક્તિ કરવી ફરજિયાત રહેશે.જ્યારે કે 100 થી ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો (મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ), નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમજ ‘ટેલી-માનસ’ સેવાઓ સાથે ઔપચારિક રેફરલ જોડાણ પ્રસ્થાપિત કરવાનું રહેશે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાઓ, પરિણામની જાહેરાત અને ધોરણ 8 માંથી 9 માં અને ધોરણ 10 માંથી 11 માં પ્રવેશ વખતના સંક્રમણ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના નાના જૂથો માટે સમર્પિત માર્ગદર્શક અથવા કાઉન્સેલર ફાળવવાના રહેશે.માર્ક્સના આધારે ભેદભાવ કરી શકાશે નહીં

નવી જોગવાઈમાં સકારાત્મક શાળા વાતાવરણ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ‘શાળા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક દેખાવ, પરીક્ષાના પરિણામો અથવા મેળવેલ ગુણના આધારે વર્ગખંડની અંદર કે બહાર કોઈપણ પ્રકારનું વિભાજન (સેગ્રીગેશન) કરી શકાશે નહીં. તદુપરાંત, કોઈ પણ વિદ્યાર્થીના શૈક્ષણિક સ્તરના આધારે તેનું સાર્વજનિક રીતે અપમાન, અન્ય સાથે સરખામણી અથવા કલંકિત કરી શકાશે નહીં. શાળા કક્ષાએ એવી કોઈપણ પ્રવૃત્તિ, પ્રથા કે વ્યવસ્થા અમલી બનાવી શકાશે નહીં જેના કારણે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, વ્યગ્રતા (ચિંતા), લઘુતાગ્રંથિ (હીનભાવ), ભય અથવા ભાવનાત્મક અસુરક્ષા કી લાગણી જન્મે. તેના સ્થાને, તમામ વિદ્યાર્થીઓ પ્રત્યે સમાનતા, ગૌરવ, પ્રોત્સાહન અને સહયોગાત્મક અભિગમ અપનાવવો ફરજિયાત રહેશે.

‘ : વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સુખાકારી જાળવી રાખવા માટે યોગ, ધ્યાન, કલા, સંગીત, બાગકામ, નૃત્ય, રમતગમત તેમજ ‘ખેલ મહાકુંભ’, ‘ફિનિશિંગ સ્કૂલ’, ‘સપ્તધારા’, ‘પરીક્ષા પે ચર્ચા’, ‘એન.એસ.

‘, ‘એન.સી.

‘, સ્કાઉટ-ગાઇડ અને સમાજસેવા જેવી સહ-શૈક્ષણિક તથા ઇતર પ્રવૃત્તિઓનું શાળા કક્ષાએ નિયમિતપણે આયોજન કરવું ફરજિયાત રહેશે. આ સાથે વિદ્યાર્થીઓ તેમની લાગણીઓ, ચિંતાઓ, મુશ્કેલીઓ તથા માનસિક-ભાવનાત્મક જરૂરિયાતોની નિર્ભીક અને ગોપનીય રીતે રજૂઆત કરી શકે તે માટે શાળા કાઉન્સેલર અથવા નિયુક્ત માર્ગદર્શક શિક્ષક સુધી સરળતાથી પહોંચ તથા હેલ્પ બોક્સ (સૂચન પેટી) જેવી વ્યવસ્થા પણ કરવાની રહેશે.આ ઉપરાંત સરકારી રીતે જાહેર કરવામાં આવેલા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર અને SWTના સંપર્ક નંબર શાળાની વેબસાઇટ, નોટિસ બોર્ડ, વર્ગખંડ, હોસ્ટેલ અને કાઉન્સેલિંગ રૂમમાં સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે.ક્ષમતા નિર્માણ-ફરજિયાત તાલીમ અને તાત્કાલિક પ્રતિસાદ પ્રોટોકોલ

શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ વર્ષમાં ઓછામાં ઓછા બે વખત પ્રમાણિત માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો પાસેથી તાલીમ ફરજિયાત લેવાની રહેશે. શાળાએ સાઇકોલોજિકલ ફર્સ્ટ એઇડ, વોર્નિંગ સાઇન્સની ઓળખ, સેલ્ફ-હાર્મ (સ્વ-ક્ષતિ) સામે પ્રતિસાદ અને રેફરલ મેકેનિઝમ વગેરે વ્યવસ્થા ઉપલબ્ધ રાખવાની રહેશે. કોઈ વિદ્યાર્થી દ્વારા સ્વ-ક્ષતિ (આત્મહાનિ), આત્મહત્યાના વિચારો, ગંભીર માનસિક તાણ અથવા અન્ય કોઈ જોખમી વર્તણૂક સંબંધી એક પણ ચેતવણીરૂપ સંકેત પ્રદર્શિત કરવામાં આવે, તો તેને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવી અનિવાર્ય રહેશે.

આત્મહાનિનો પ્રયાસ થયાની સ્થિતિમાં વિદ્યાર્થીને કોઈ પણ સંજોગોમાં એકલો ન છોડવાની અને જરૂરિયાત મુજબ તાત્કાલિક તબીબી અથવા આપાતકાલીન સેવાઓની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય, કાઉન્સેલિંગ અથવા અન્ય કોઈ સંવેદનશીલ વ્યક્તિગત માહિતીની ગોપનીયતા જાળવવી ફરજિયાત રહેશે. આવી માહિતી માત્ર વિદ્યાર્થીની સુરક્ષા, સારવાર, કાઉન્સેલિંગ અથવા કલ્યાણ સાથે સીધી રીતે સંકળાયેલા અધિકૃત વ્યક્તિઓ સાથે જ વહેંચી શકાશે. આત્મહત્યાની ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને અસરગ્રસ્ત પરિવારજનો માટે ઘટના પછીની સંભાળ (Postvention) પ્રક્રિયા હેઠળ જરૂરી માનસિક, ભાવનાત્મક અને સામાજિક સહાય આપવાની રહેશે.

ઘટનાની માહિતીનું સંચારણ તથ્યાધારિત અને જવાબદારીપૂર્વક કરવાનું રહેશે. મીડિયા સાથેનો સંપર્ક માત્ર આચાર્ય અથવા અધિકૃત અધિકારી મારફતે જ કરવાનો રહેશે અને ઘટનાની પદ્ધતિ, સ્થળ, ફોટોગ્રાફ્સ અથવા વ્યક્તિગત સંવેદનશીલ વિગતો જાહેર કરી શકાશે નહીં. ફરિયાદ નિવારણ અને સંસ્થાકીય જવાબદારી

આ ઉપરાંત, જાતીય સતામણી, રેગિંગ, બુલિંગ, સાયબર બુલિંગ તેમજ જાતિ, વર્ગ, લિંગ, ધર્મ, ભાષા, સામાજિક-આર્થિક સ્થિતિ અથવા દિવ્યાંગતા સહિતના કોઈપણ આધાર પર થતા ભેદભાવ કે હેરાનગતિ સામે મજબૂત, ગોપનીય અને સુલભ ફરિયાદ નિવારણ વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. શાળાએ સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાની રહેશે. જો શાળાને જોખમી પરિસ્થિતિઓની જાણ હોવા છતાં અથવા જાણ હોવી જોઈએ તેવી પરિસ્થિતિ હોવા છતાં, સમયસર અને યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળતા જણાય, અને તે નિષ્ફળતા વિદ્યાર્થીને થયેલ ગંભીર નુકસાન, આત્મહાનિ અથવા આત્મહત્યાની ઘટનામાં નોંધપાત્ર પરિબળ સાબિત થાય, તો તેને ‘સંસ્થાકીય દોષ’ ગણવામાં આવશે અને સંબંધિત શાળા અથવા જવાબદાર અધિકારીઓ સામે કાયદા અને નિયમો મુજબ શિક્ષાત્મક કે કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાશે.

વિદ્યાર્થીઓ પરના શૈક્ષણિક અને કારકિર્દી સંબંધિત દબાણને ઘટાડવા માટે નિયમિત કારકિર્દી માર્ગદર્શનની પણ જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓએ વિવિધ શૈક્ષણિક, વ્યવસાયિક, કૌશલ્ય આધારિત અને ઉદ્યોગસાહસિકતાના વિકલ્પો અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવાની રહેશે. દેખરેખ, અમલીકરણ અને અનુપાલન

વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, કલ્યાણ અને આત્મહત્યા નિવારણ સંબંધી માર્ગદર્શિકાઓના અસરકારક અમલીકરણ, નિરીક્ષણ-દેખરેખ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ‘જિલ્લા-સ્તરીય દેખરેખ સમિતિ’ રહેશે. આ સમિતિ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વિનિયમોના અમલીકરણની સમીક્ષા કરશે, આવશ્યક માર્ગદર્શન અને સંકલન પૂરું પાડશે, ફરિયાદો અને ગંભીર બનાવો પર નજર રાખશે તથા જરૂરી ભલામણો અને સુધારાત્મક પગલાં સૂચવશે. સમિતિની સૂચનાઓનું અક્ષરશઃ પાલન તમામ શાળાઓ માટે ફરજિયાત રહેશે.








