HomeAllહવે વિદેશ જતા પ્રવાસીઓને પણ મળશે ‘ડિજી યાત્રા’ની સુવિધા, મુંબઈ સહિત દેશનાં...

હવે વિદેશ જતા પ્રવાસીઓને પણ મળશે ‘ડિજી યાત્રા’ની સુવિધા, મુંબઈ સહિત દેશનાં 7 એરપોર્ટ પર ટ્રાયલ શરૂ

મુંબઈ: ડોમેસ્ટિક ફ્લાઈટની જેમ હવે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં પણ ‘ડિજી યાત્રા’ દ્વારા એરપોર્ટ પર પ્રવેશ અને બોર્ડિંગની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સરળ બનશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ડિજી યાત્રાનું ટ્રાયલ શરૂ કર્યું છે. આ પાયલટ પ્રોજેક્ટ દિલ્હી અને મુંબઈ સહિત દેશનાં સાત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમલમાં મૂકાયો છે. નવેમ્બરથી ડિસેમ્બર 2026 દરમિયાન ચાલનારા આ ટ્રાયલના પ્રતિસાદના આધારે 2027માં તેનો વ્યાપક અમલ કરવાની યોજના છે. આ સુવિધા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન, ચેન્નઈ અને અમૃતસર એરપોર્ટ પર ઉપલબ્ધ રહેશે.

શરૂઆતમાં ઈ-પાસપોર્ટ ધરાવતા પાત્ર ભારતીય નાગરિકો એર ઈન્ડિયા અને ઈન્ડિગોની પસંદગીની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં તેનો ઉપયોગ કરી શકશે. મુસાફરો એરપોર્ટના ટર્મિનલ પ્રવેશદ્વાર, સિક્યોરિટી હોલ્ડ એરિયા અને બોર્ડિંગ ગેટ પર, જ્યાં જરૂરી સુવિધા ઉપલબ્ધ હશે ત્યાં, ડિજી યાત્રાનો લાભ લઈ શકશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે મુસાફરોએ ડિજી યાત્રા મોબાઇલ એપમાં ઈ-પાસપોર્ટ આધારિત ‘વેરિફાયેબલ ક્રેડેન્શિયલ’ બનાવવું પડશે. આ માટે પાસપોર્ટનો મશીન રીડેબલ ઝોન (એમઆરઝેડ) સ્કેન કરવો પડશે. ત્યારબાદ સ્માર્ટફોનના એનએફસી ફીચરથી પાસપોર્ટમાં રહેલી ઈલેક્ટ્રોનિક ચિપ વાંચવાની, સેલ્ફી લેવાની અને પોતાની વિગતોની ચકાસણી કરવાની રહેશે.

પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિજિટલ ઓળખપત્ર મોબાઈલમાં રહેલા ડિજી યાત્રા વૉલેટમાં સ્ટોર થશે. જોકે, ડિજી યાત્રા આંતરરાષ્ટ્રીય મુસાફરીની હાલની પ્રક્રિયાઓનું સ્થાન લેશે નહીં, પરંતુ તેને વધુ સરળ બનાવવામાં મદદ કરશે. મુસાફરોએ પાસપોર્ટ, વિઝા અને અન્ય જરૂરી પ્રવાસ દસ્તાવેજો સાથે રાખવા પડશે. એરલાઈન્સની ફરજિયાત દસ્તાવેજ ચકાસણી, ઈમિગ્રેશનની તપાસ અને અન્ય તમામ નિયમોનું પાલન પણ કરવું પડશે. ટ્રાયલ દરમિયાન મુસાફરોનો અનુભવ અને પ્રતિસાદ એકત્રિત કરીને આગળની વ્યવસ્થા નક્કી કરવામાં આવશે.

હાલમાં ડિજી યાત્રા પ્લેટફોર્મના 2.65 કરોડથી વધુ યુઝર્સ છે અને દેશનાં 39 ડોમેસ્ટિક એરપોર્ટ પર તેના માધ્યમથી 11 કરોડથી વધુ મુસાફરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. 2027 સુધીમાં વધુ 25 ડોમેસ્ટિક એરપોર્ટને પણ આ સુવિધા સાથે જોડવાની યોજના છે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેનો આ પાયલટ પ્રોજેક્ટ સફળ રહે તો વિદેશ જતાં ભારતીયો માટે એરપોર્ટ પરની કેટલીક પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સુવિધાજનક બની શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments