HomeAll82 ટકા લોકોને ક્રિપ્ટો કરન્સી પર ભરોસો નથી : લોકલસર્કલના સર્વેમાં ચોંકાવનારો...

82 ટકા લોકોને ક્રિપ્ટો કરન્સી પર ભરોસો નથી : લોકલસર્કલના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

નવી: દિલ્હી તા, 31 : દુનિયાભરનાં મોટા ક્રિપ્ટો એક્સચેન્જોમાં સતત થઈ રહેલી હેકિંગ અને સેધમારીની ઘટનાઓ વચ્ચે ભારતીયોનો ક્રિપ્ટો કરન્સી પરનો ભરોસો સતત ઘટી રહ્યો છે. સર્વે એજન્સી ‘લોકલસર્કલ’ દ્વારા કરવામાં આવેલાં તાજેતરનાં સર્વે મુજબ, દેશનાં લગભગ 82 ટકા લોકોને ક્રિપ્ટો કરન્સી પર બહુ ઓછો અથવા નહિવત ભરોસો રહ્યો છે. જ્યારે વર્ષ 2021માં આ પ્રકારે વિચારનારા લોકોની સંખ્યા 76 ટકા હતી, જે હવે વધી ગઈ છે. ક્રિપ્ટો કરન્સી પર બિલકુલ ભરોસો ન કરતાં લોકોનું પ્રમાણ અગાઉના 49 ટકાથી વધીને સીધું 66 ટકા પર પહોંચી ગયું છે.

આ સિવાય, સર્વેમાં સામેલ 16 ટકા લોકોએ તેને બહુ ઓછો ભરોસો હોવાનું જણાવ્યું છે, જ્યારે માત્ર 4 ટકા લોકોએ જ ક્રિપ્ટો પર ખૂબ વધારે ભરોસો વ્યક્ત કર્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ડિજિટલ કરન્સી પ્રત્યે સામાન્ય લોકોનો ડર અને અવિશ્વાસ વધી રહ્યો છે. સર્વેમાં સામે આવેલી વિગતો અનુસાર, ભારતમાં 76 ટકા પરિવારો એવા છે કે જેના પરિવારમાંથી કોઈ પણ સભ્ય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કે ટ્રેડિંગ કરતાં નથી. આ અસુરક્ષાની ભાવનાને કારણે જ 59 ટકા લોકોએ ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાની માંગ કરી છે.

બીજી તરફ, 16 ટકા લોકોએ તેને કાનૂની માન્યતા આપ્યાં વગર ટેક્સના દાયરામાં રાખવાનું અને 19 ટકા લોકોએ તેને કાનૂની માન્યતા આપીને ટેક્સ લગાવવાનું સમર્થન કર્યું છે. ક્રિપ્ટો સામે લોકોનો મોહ ભંગ થઈ રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેંકની ડિજિટલ કરન્સી એટલે કે ‘ડિજિટલ રુપી’ પ્રત્યે લોકોનું વલણ સારું જોવા મળી રહ્યું છે. સર્વેમાં સામેલ 56 ટકા લોકોએ જણાવ્યું છે કે તેઓ વેપારીઓ અને સામાન્ય લોકો વચ્ચે લેવડ-દેવડ માટે ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરવા માટે તૈયાર છે, જે દર્શાવે છે કે સુરક્ષિત સરકારી ડિજિટલ ચલણ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments