HomeAllદિવાળીએ 350થી વધુ ગરીબ બાળકોના જીવનમાં પથરાયું ખુશીનું અજવાળું, મુસ્કાન વેલફેર સોસાયટી...

દિવાળીએ 350થી વધુ ગરીબ બાળકોના જીવનમાં પથરાયું ખુશીનું અજવાળું, મુસ્કાન વેલફેર સોસાયટી બની નિમિત્ત

મોરબી, તા. 31 ઓક્ટોબર, 2026: દિવાળીના પર્વની સાચી ખુશી વહેંચવામાં છે, તેવો સેવાભાવનાનો સંદેશ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આપવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા 350થી વધુ જરૂરિયાતમંદ બાળકોને નવાં કપડાંનું નિઃશુલ્ક વિતરણ કરી તેમના તહેવારને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

તહેવારોની ઉજવણીમાં દરેક પરિવાર અને બાળક સહભાગી બની શકે તેવા હેતુથી દાતાઓના સહયોગથી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે જરૂરિયાતમંદ પરિવારોને જૂનાં કપડાં આપવામાં આવતા હોય છે, પરંતુ મુસ્કાન વેલફેર સોસાયટીએ બાળકોને નવાં કપડાં આપીને તેમના ચહેરા પર અનોખી ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો.

નવાં કપડાં હાથમાં આવતાં જ બાળકોના ચહેરા પર જોવા મળેલી ખુશી અને ઉત્સાહ આ સેવાકાર્યની સૌથી મોટી સફળતા બની હતી. બાળકોની નિર્દોષ ખુશી જોઈને ઉપસ્થિત લોકો પણ ભાવવિભોર બન્યા હતા.

સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમાજના આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકો પણ અન્ય બાળકોની જેમ તહેવારોની ખુશીઓ માણી શકે તે જરૂરી છે. કોઈ બાળક માત્ર આર્થિક મુશ્કેલીના કારણે તહેવારની ઉજવણીથી વંચિત ન રહે તેવા ઉમદા વિચાર સાથે સંસ્થા સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે.

આ પહેલને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ આપનાર તમામ દાતાઓનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે આગળ આવવા ઇચ્છતા દાતાઓ મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબીનો સંપર્ક નંબર 9016976954 પર સંપર્ક કરી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments