HomeAllધોકાને તિલાંજલિ આપી દિવાળી પછીના દિવસને કાયમી નૂતન વર્ષ તરીકે ઉજવવા વિજ્ઞાન...

ધોકાને તિલાંજલિ આપી દિવાળી પછીના દિવસને કાયમી નૂતન વર્ષ તરીકે ઉજવવા વિજ્ઞાન જાથાની અપીલ

ધોકાને દેશવટો આપવો વર્તમાન સમયની માંગ છે – જયંત પંડયા

તિથિઓ તારીખ નથી, તિથિ આધારિત ગણતરીને કારણે તહેવારોમાં અસમંજસ સર્જાય છે : વિજ્ઞાન જાથા

જ્ઞાતિ મંડળોનો સહયોગ મેળવી ધોકાની કુપ્રથાને નાબૂદ કરવા જાથાનો પ્રયાસ

અમદાવાદ, તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૬ : દિવાળી અને નૂતન વર્ષના દિવસ વચ્ચે આવતા ‘ધોકા’ની પ્રથાને તિલાંજલિ આપી દિવાળીના બીજા દિવસને કાયમી નૂતન વર્ષ તરીકે ઉજવવાની ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા દેશવાસીઓને અપીલ કરવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં સદીઓ જૂની આ પ્રથામાં પરિવર્તન લાવી નવા વિચારને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત વિજ્ઞાન જાથાની પ્રાદેશિક કચેરી સહિત રાજ્યભરની શાખાઓ દ્વારા તા. ૦૯ નવેમ્બરના રોજ નૂતન વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ધોકાની પ્રથાને તિલાંજલિ આપી દિવાળી પછીના દિવસને નવા વર્ષ તરીકે ઉજવવો એ વર્તમાન સદીની માંગ છે. ભારતીય પંચાંગમાં તિથિ આધારિત ગણતરીને કારણે દર ત્રણ વર્ષે અધિક માસની સ્થિતિ સર્જાય છે, જેના કારણે તહેવારોની ઉજવણીમાં વારંવાર અસમંજસ ઊભી થાય છે. તિથિઓ એ તારીખો નથી, પરંતુ પૃથ્વી પરથી જોતા સૂર્ય અને ચંદ્ર વચ્ચેના કોણીય અંતર પર આધારિત સમયગાળો છે. આ ગણતરી પદ્ધતિને કારણે ધોકા જેવો દિવસ સર્જાય છે, જેને અંધશ્રદ્ધા સાથે જોડવાને બદલે જ્ઞાન અને નવી શરૂઆતના દિવસ તરીકે સ્વીકારવો જોઈએ.

જયંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે અધિક માસ દરમિયાન ધાર્મિક કર્મકાંડ, વ્રત અને પૂજન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, પરંતુ આ પરંપરાઓની વૈજ્ઞાનિક સમજ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. તિથિ આધારિત ગણતરી ભારતની પરંપરાગત પંચાંગ પદ્ધતિનો ભાગ છે, જ્યારે વિશ્વના મોટાભાગના દેશોમાં તારીખ આધારિત કેલેન્ડર વ્યવહારિક રીતે સ્વીકારવામાં આવ્યું છે. તહેવારોની ઉજવણીમાં થતી અસમંજસ દૂર કરવા માટે દિવાળી પછીના દિવસને સર્વસંમતિથી નૂતન વર્ષ તરીકે અપનાવવાનો વિચાર જાથા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

તિથિઓની ખગોળીય ગણતરી અંગે સમજ આપતા જાથાએ જણાવ્યું હતું કે અમાસના સમયે સૂર્ય અને ચંદ્ર વચ્ચેનો કોણીય અંતર શૂન્ય અંશ હોય છે. ત્યારબાદ આ અંતર વધતું જાય છે. ૧૨ અંશ સુધીનો સમયગાળો સુદ એકમ, ૧૩થી ૨૪ અંશ સુધીનો સમયગાળો સુદ બીજ અને આ રીતે ક્રમશઃ વધતાં ૧૮૦ અંશ થતાં પૂનમની તિથિ રચાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ એકસરખી ગતિએ ફરતો ન હોવાથી તિથિનો સમયગાળો આશરે ૨૦ કલાકથી પોણા ૨૭ કલાક સુધી બદલાતો રહે છે.

ભારતીય પંચાંગમાં દિવસની ગણતરી સૂર્યોદયથી સૂર્યોદય સુધી કરવામાં આવે છે. સૂર્યોદય સમયે જે તિથિ ચાલુ હોય તે તિથિને તે દિવસની તિથિ ગણવામાં આવે છે. જો કોઈ તિથિ બે સૂર્યોદય સમયે ચાલુ રહે તો તે તિથિ બે દિવસ ગણાય છે, જ્યારે બે સૂર્યોદય વચ્ચે પૂર્ણ થઈ જતી તિથિનો ક્ષય થાય છે. આ જ કારણોસર કેટલીકવાર સાતમ પછી સીધી નોમ આવતી હોય છે.

વર્ષ ૨૦૨૬ની દિવાળીની તિથિ અંગે ઉદાહરણ આપતા જાથાએ જણાવ્યું હતું કે રાજકોટની સ્થિતિએ તા. ૦૮ નવેમ્બરના રોજ સવારે ૧૧ કલાક અને ૨૭ મિનિટે અમાસ શરૂ થાય છે, જે તા. ૦૯ નવેમ્બરના રોજ બપોરે ૧૨ કલાક અને ૩૧ મિનિટે પૂર્ણ થાય છે. તા. ૦૮ નવેમ્બરની સાંજે અમાસ હોવાથી લક્ષ્મીપૂજન સહિતના દિવાળીના ધાર્મિક અનુષ્ઠાનો પ્રદોષકાળમાં કરવામાં આવે છે. તા. ૦૯ નવેમ્બરના સૂર્યોદય સમયે અમાસ ચાલુ હોવાથી તે દિવસે પ્રતિપદા ગણાતી નથી. તા. ૧૦ નવેમ્બરના રોજ સૂર્યોદય સમયે એકમ ચાલુ હોવાથી તે દિવસને વિધિવત નૂતન વર્ષ તરીકે ગણવામાં આવે છે. આ ગણતરીના પરિણામે તા. ૦૯ નવેમ્બરનો દિવસ પડતર રહે છે, જેને પરંપરાગત રીતે ‘ધોકા’ તરીકે ઓળખવામાં આવે છે.

વિજ્ઞાન જાથાના મતે ધોકો અનિષ્ટનો દિવસ નથી, પરંતુ અંધશ્રદ્ધા પર વિજય મેળવવાનો દિવસ છે. ધોકાને તિલાંજલિ આપીને તેને જ્ઞાનનો દિવસ, નવી શરૂઆતનો દિવસ અને પડતર માનસિકતા બદલવાનો દિવસ બનાવી શકાય છે. જ્ઞાતિ મંડળો અને સામાજિક સંસ્થાઓ પોતાની રીતે આ પરિવર્તનનો સ્વીકાર કરી દિવાળી પછીના દિવસને નૂતન વર્ષ તરીકે ઉજવવામાં સહયોગ આપે તેવી જાથા દ્વારા અપીલ કરવામાં આવી છે.

જાથાએ વધુમાં જણાવ્યું છે કે દેશવાસીઓ સર્વસંમતિથી દિવાળી પછીના દિવસને કાયમી નૂતન વર્ષ તરીકે અપનાવે તો આગામી પાંચ વર્ષમાં આ નવી પ્રથા વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે. શ્રદ્ધા સાથે ઉજવણી કરવી અને અંધશ્રદ્ધાને દૂર કરીને જ્ઞાનને પ્રાધાન્ય આપવું એ જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. માનવું કે ન માનવું તે દરેક વ્યક્તિના અધિકારમાં છે, પરંતુ જાથા દ્વારા રજૂ કરવામાં આવેલા આ વૈજ્ઞાનિક વિચારને લોકોનો સહયોગ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ પર સંપર્ક કરવો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments