
મોરબી: સામાજિક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર યુવા શક્તિ ફાઉન્ડેશન મોરબી દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્ર સંચાલિત ‘કર્તવ્ય ફટાકડા સ્ટોલ’ની મુલાકાત લેવામાં આવી હતી. અબોલ પશુઓના કલ્યાણ અને સંરક્ષણના ઉમદા હેતુ સાથે નિર્માણ પામી રહેલા ‘કર્તવ્ય નંદી ઘર’ પ્રોજેક્ટને સહયોગ આપવા માટે ફાઉન્ડેશનના સભ્યોએ પોતાના પરિવારજનો સાથે ઉત્સાહપૂર્વક ફટાકડાની ખરીદી કરી હતી. આ પહેલ દ્વારા સંસ્થાએ માનવતા અને જીવદયા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મોરબીના સમય ગેટ પાસે, રત્નકલા ગ્રાઉન્ડ ખાતે અને સ્કાય મોલની બાજુમાં કાર્યરત ‘કર્તવ્ય ફટાકડા સ્ટોલ’ પરથી થતી ખરીદીનો સમગ્ર નફો ‘કર્તવ્ય નંદી ઘર’ના નિર્માણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે. દિવાળીના પર્વને અબોલ જીવોની સેવા અને કલ્યાણ સાથે જોડવાના આ પ્રયાસને યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા હૃદયપૂર્વક આવકારવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે દિવાળીના પર્વની સાચી ખુશી ત્યારે જ સાર્થક બને છે, જ્યારે આપણા આનંદની સાથે અબોલ જીવોના જીવનમાં પણ સુખ અને સુરક્ષા આવે. વધુમાં, મોરબીના નાગરિકોને પણ ‘કર્તવ્ય ફટાકડા સ્ટોલ’ પરથી ફટાકડાની ખરીદી કરી જીવદયા અને સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
























