મૂડી સબસિડી, વ્યાજ સહાય અને વીજળી દરમાં રાહત સહિત ઉદ્યોગસાહસિકો માટે આકર્ષક નાણાકીય પ્રોત્સાહનોની જોગવાઈ

‘આત્મનિર્ભર ભારત’: અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તેમજ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૬’ જાહેર કરવામાં આવી છે. આગામી ૧ જૂન, ૨૦૨૬થી ૩૧ મે, ૨૦૩૧ સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન અમલી બનનારી આ નીતિ રાજ્યના ઉદ્યોગસાહસિકો, નવા ઉદ્યોગો સ્થાપવા ઈચ્છતા યુવાનો અને સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (MSME) માટે પ્રેરકબળ બનશે. આ નીતિ હેઠળ ઉદ્યોગોને આર્થિક સહાય, સબસિડી અને વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડીને તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે પ્લાન્ટ અને મશીનરીમાં કરવામાં આવતા કુલ સ્થિર મૂડીરોકાણના આધારે ઉદ્યોગોની શ્રેણી નિર્ધારિત કરવામાં આવી છે. રૂ. ૨.૫ કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમોને સૂક્ષ્મ (Micro), રૂ. ૨.૫ કરોડથી વધુ અને રૂ. ૨૫ કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમોને લઘુ (Small) તથા રૂ. ૨૫ કરોડથી વધુ અને રૂ. ૧૨૫ કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમોને મધ્યમ (Medium) ઉદ્યોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ નીતિની મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સ્વનિર્ભર નાણાકીય વ્યવસ્થા ધરાવતા પ્રોજેક્ટ્સને પણ સહાય માટે પાત્ર ગણવામાં આવશે અને ટર્મ લોન લેવાની ફરજિયાત શરત દૂર કરવામાં આવી છે.

રાજ્યમાં નવા ઉદ્યોગોની સ્થાપના, હાલના ઉદ્યોગોના વિસ્તરણ અને વૈવિધ્યકરણને વેગ આપવા માટે વિસ્તારની કેટેગરી મુજબ મૂડી સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. કેટેગરી ‘A’ હેઠળના વિસ્તારોમાં પાત્ર મૂડીરોકાણના ૩૫ ટકા અને કેટેગરી ‘B’ હેઠળના વિસ્તારોમાં ૨૫ ટકા સુધીની મૂડી સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, બેંક લોન પર પાંચ વર્ષ સુધી ૭ ટકા વ્યાજ સહાય મળશે. મહિલા ઉદ્યોગસાહસિકો, નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ અને ૩૫ વર્ષથી ઓછી ઉંમરના પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકો માટે વધારાની ૧ ટકા વ્યાજ સહાયની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

ઔદ્યોગિક ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે વીજળી દરમાં પણ રાહત આપવામાં આવશે. કેટેગરી ‘A’ હેઠળના ઉદ્યોગોને પાંચ વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ. ૨ અને કેટેગરી ‘B’ હેઠળના ઉદ્યોગોને પ્રતિ યુનિટ રૂ. ૧ની વીજળી દર સહાય મળશે. સાથે જ વીજળી ડ્યૂટીમાંથી મુક્તિ જેવી રાહતો પણ નીતિમાં સામેલ કરવામાં આવી છે, જે ઉદ્યોગોની કાર્યક્ષમતા અને નાણાકીય સક્ષમતા વધારવામાં મદદરૂપ બનશે.

ઉદ્યોગોના આધુનિકીકરણ, ગુણવત્તા સુધારણા અને કર્મચારીઓની સુખાકારીને પ્રાધાન્ય આપતી આ નીતિ હેઠળ વિવિધ ક્ષેત્રોમાં સહાયની જોગવાઈ કરવામાં આવી છે. નવા કર્મચારીઓ માટે ૧૦ વર્ષ સુધી EPF સહાય આપવામાં આવશે, જેમાં મહિલા કર્મચારીઓ માટે માસિક રૂ. ૨,૫૦૦ સુધી અને દિવ્યાંગ કર્મચારીઓ માટે માસિક રૂ. ૩,૦૦૦ સુધીની સહાયની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ERP સિસ્ટમ સ્થાપન માટે ૬૫ ટકા (મહત્તમ રૂ. ૧ લાખ), ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે ૫૦ ટકા (મહત્તમ રૂ. ૧૦ લાખ) અને પેટન્ટ નોંધણી માટે ૭૫ ટકા (મહત્તમ રૂ. ૨૫ લાખ) સુધીની સહાય આપવામાં આવશે. ભાડા સહાય હેઠળ સામાન્ય એકમોને ૬૫ ટકા અને મહિલા માલિકીના એકમોને ૭૫ ટકા સુધીની સહાય, પ્રતિ વર્ષ મહત્તમ રૂ. ૩ લાખની મર્યાદામાં, મળવાપાત્ર રહેશે.

ભવિષ્યલક્ષી ઔદ્યોગિક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ ગુડ્સ, રમકડાં, ફૂટવેર, રોબોટ અને ડ્રોન ઉત્પાદન જેવા વિશિષ્ટ ક્ષેત્રો માટે પણ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ ક્ષેત્રોમાં ૧૦૦ ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈ, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવવા માટે મહત્તમ રૂ. ૫ કરોડ સુધીની સહાય અને કર્મચારી તાલીમ માટે પ્રતિ કર્મચારી પ્રતિ માસ રૂ. ૮,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સબ્સ્ક્રિપ્શન ખર્ચ માટે ૮૦ ટકા સુધીની સહાય, પ્રતિ વર્ષ મહત્તમ રૂ. ૧ લાખની મર્યાદામાં, ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નવી નીતિ હેઠળ સબસિડી અને અન્ય નાણાકીય સહાય મેળવવા માટે ઉત્પાદન શરૂ થયાની તારીખથી છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે. મોરબી સહિત સમગ્ર ગુજરાતના ઉદ્યોગસાહસિકો આ નીતિનો મહત્તમ લાભ મેળવીને પોતાના ઉદ્યોગોનો વિકાસ કરે, રોજગારીની નવી તકોનું સર્જન કરે અને રાજ્યના આર્થિક વિકાસમાં યોગદાન આપે તેવો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે. આ નીતિ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)નો સંપર્ક કરી શકાશે.




















