મોરબી જિલ્લાના ૯ તેજસ્વી વિદ્યાર્થીઓને ‘છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ’ યોજના હેઠળ રૂ. ૧.૦૫ લાખની સહાય

માર્ચ-૨૦૨૬ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને DBT મારફતે પુરસ્કારની રકમ ચૂકવાઈ

મોરબી, તા. ૨૧ નવેમ્બર: સમાજના છેવાડાના અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન મળે તથા તેમની પ્રતિભાને યોગ્ય સન્માન અને તક મળી રહે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ‘છત્રપતિ શાહુજી મહારાજ ખાસ પ્રોત્સાહક ઇનામ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત માર્ચ-૨૦૨૬ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર મોરબી જિલ્લાના ૯ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧,૦૫,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવી છે.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની રુચિ વધે, શૈક્ષણિક સ્પર્ધાત્મકતા વિકસે અને બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રેરણા મળે તે હેતુથી આ યોજના હેઠળ ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ના સામાન્ય, વિજ્ઞાન, ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહમાં જિલ્લા તથા રાજ્ય કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનારને રૂ. ૧૫,૦૦૦, દ્વિતીય ક્રમ મેળવનારને રૂ. ૧૧,૦૦૦ અને તૃતીય ક્રમ મેળવનારને રૂ. ૯,૦૦૦નું ઇનામ આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં આ યોજના હેઠળ પસંદગી પામેલા ૯ વિદ્યાર્થીઓને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, મોરબી દ્વારા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) પદ્ધતિથી ઇનામની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

ધોરણ-૧૦માં પ્રાચી પ્રદીપભાઈ પરમારે ૯૭.૫૦ ટકા ગુણ સાથે પ્રથમ ક્રમ મેળવી રૂ. ૧૫,૦૦૦નું ઇનામ પ્રાપ્ત કર્યું છે. કંજવી નિકુંજભાઈ ચાવડાએ ૯૭.૩૩ ટકા સાથે દ્વિતીય અને તૃષાંગી સંજયભાઈ બંસલે ૯૬.૮૩ ટકા સાથે તૃતીય ક્રમ મેળવી સિદ્ધિ નોંધાવી છે.

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉદયકુમાર દલસુખભાઈ જાદવે ૯૦.૬૨ ટકા સાથે પ્રથમ, રાધિકા કમલેશભાઈ મુછડીયાએ ૮૮.૬૨ ટકા સાથે દ્વિતીય અને ભવિષ્ય ઉદયભાઈ મહાલિયાએ ૮૮.૦૦ ટકા સાથે તૃતીય ક્રમ મેળવ્યો છે.

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રિયા ડુંગરભાઈ પરમારે ૯૪.૪૩ ટકા સાથે પ્રથમ, પરમાર ધ્રુવી વસંતભાઈએ ૯૨.૦૦ ટકા સાથે દ્વિતીય અને સિદ્ધિબેન મગનભાઈ પારધીએ ૯૧.૭૧ ટકા સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક બોર્ડ પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવવા જરૂરી છે. ઓનલાઈન અરજી અને પારદર્શક પ્રક્રિયા દ્વારા સહાય આપવામાં આવતી આ યોજના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ઉત્સાહ અને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. સરકારની આ કલ્યાણકારી પહેલ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કરી રહી છે.