મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી સાથે ‘સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય’ અભિયાનનો પ્રારંભ

તા. ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે; વ્યક્તિગત અને સામુહિક શૌચાલયોની સફાઈ, સુશોભન તથા ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાશે

મોરબી, તા. ૨૧ નવેમ્બર, ૨૦૨૬: વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે તા. ૧૯ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી ચાલનારા ‘સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય’ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વ્યક્તિગત તેમજ સામુહિક શૌચાલયોની રૂબરૂ મુલાકાત લઈ તેમની સ્વચ્છતા, જાળવણી અને સુશોભન અંગે કામગીરી હાથ ધરવામાં આવી હતી. શૌચાલયોને સ્વચ્છ, સુઘડ અને ઉપયોગ માટે યોગ્ય બનાવવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગ્રામજનોને શૌચાલયના નિયમિત ઉપયોગ, તેની યોગ્ય જાળવણી તેમજ વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ અંગે સમજણ આપવામાં આવી હતી. સ્વચ્છતાની સારી ટેવો અપનાવી ગામોમાં સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણનું નિર્માણ થાય તે માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવો, જાહેર આરોગ્યનું જતન કરવું તથા સ્વચ્છ શૌચાલય દ્વારા દરેક વ્યક્તિને સ્વચ્છતા, સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર સુનિશ્ચિત કરવાનો છે.