ટેકનિકલ કૌશલ્ય, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે યુવાનોને રોજગાર તથા સ્વરોજગાર તરફ આગળ વધવા પ્રેરણા

મોરબી, ૨૧ નવેમ્બર, ૨૦૨૬: મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે વર્ષ ૨૦૨૬નો ૫મો કૌશલ દીક્ષાંત સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય (MSDE) તથા રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ નિયામકશ્રી, તાલીમ અને રોજગારની કચેરીના માર્ગદર્શન અંતર્ગત યોજાયેલા આ સમારોહમાં વિવિધ ટ્રેડમાં તાલીમ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ, પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.



સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થીઓને સખત પરિશ્રમ, શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત કૌશલ્યવર્ધનને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. ટેકનિકલ શિક્ષણ અને વ્યવહારુ કૌશલ્યના આધારે યુવાનો રોજગારની તકો પ્રાપ્ત કરી શકે તેમજ સ્વરોજગાર ક્ષેત્રે આગળ વધી આત્મનિર્ભર બની શકે તે અંગે માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં આવી હતી.

તાલીમાર્થીઓની સિદ્ધિઓને બિરદાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલા આ સમારોહના સફળ આયોજન માટે સંસ્થાના આચાર્ય એન. વી. ચનિયારાના માર્ગદર્શન હેઠળ કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે આઈ.એમ.સી. ઓફ આઈ.ટી.આઈ. મોરબીના ચેરમેન રાજુભાઈ ધમાસણા, સિરામિક એસોસિએશન (સેનેટરી વિભાગ)ના પ્રમુખ અજયભાઈ મારવાણીયા, આઈ.એમ.સી.ના વાઈસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા તેમજ ઉદ્યોગપતિ અશ્વિનભાઈ વિડજા અને સુધીરભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.






























