છ કલાકના વિરોધ પ્રદર્શન બાદ મહાપાલિકાની બાંહેધરી, સીસીટીવી મોનિટરિંગ અને દુકાનો પર સ્ટીકર લગાવી કાર્યવાહી કરાશે; અમલ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી

મોરબી, તા. ૨૧ નવેમ્બર: શહેરના રહેણાંક, ધાર્મિક અને જાહેર વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ તેમજ અનધિકૃત નોનવેજની લારીઓ અને હોટલો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે સવારે ૧૧થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી છ કલાક ધરણા-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવતા અંતે આ ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા.

ધરણા દરમિયાન સંગઠનો દ્વારા ગેરકાયદે કતલખાનાઓ બંધ કરાવવા, અનધિકૃત માંસ વેચાણ સામે કાર્યવાહી કરવા તેમજ રહેણાંક વિસ્તારોમાં ચાલતા આવા વ્યવસાયોને દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રજૂઆત બાદ મહાપાલિકા દ્વારા સંબંધિત વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી સતત મોનિટરિંગ કરવા તેમજ સોમવાર-મંગળવારથી દુકાનો પર સ્ટીકર લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

હિન્દુ સંગઠનના આગેવાન કમલેશ બોરીચાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરો દ્વારા રજૂઆતને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. જ્યાંથી મોટા પ્રમાણમાં માંસનો સપ્લાય થતો હોવાનું જણાવાયું છે તે મુખ્ય વિસ્તારને તાત્કાલિક બંધ કરાવવા તેમજ ફરી આવી પ્રવૃત્તિ શરૂ ન થાય તે માટે દેખરેખ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

તેમણે વધુમાં ચીમકી આપી હતી કે, જો મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી બાંહેધરી મુજબ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં રસ્તા રોકી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મોરબીના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, ધરણા દરમિયાન રજૂ કરવામાં આવેલી માંગણીઓના આધારે ગેરકાયદે કતલખાનાઓ ચાલતા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવશે અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ઉભી કરાશે. સોમવારથી મંગળવાર દરમિયાન અનધિકૃત રીતે ચાલતા કતલખાનાઓ પર સ્ટીકર લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મેયરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કતલખાનાઓ માટે શહેર અને મહાનગરપાલિકા વિસ્તારથી દૂર અલગ સૂચિત જગ્યા નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવશે. હાલ મળેલી વાંધા અરજીઓની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુનાવણી કરીને રજૂઆતોને ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ વિના ચાલતા વ્યવસાય સામે કાર્યવાહી અંગે આરએમસી એક્ટ અને મહાનગરપાલિકાના નવા નિયમો-અધિનિયમો મુજબ જરૂરી પગલાં લેવામાં આવશે.

છ કલાક સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ સંગઠનોએ હાલ ધરણા સમેટ્યા છે, પરંતુ મહાનગરપાલિકાની બાંહેધરીનો અમલ કેટલો થાય છે તેના પર આગામી દિવસોમાં આંદોલનની દિશા નિર્ભર રહેશે.



























