૨૬ નવેમ્બરે સાંજે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ અને મુખ્ય બજાર માર્ગ પર રેલી યોજાશે

૨૩ નવેમ્બર, ૨૦૨૬: આગામી ૨૬ નવેમ્બરના રોજ ઉજવાનાર સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભાજપ ગુજરાત પ્રદેશના સહ પ્રવક્તા મનજીભાઈ આહિરે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી, બંધારણીય મૂલ્યો તથા વિવિધ મુદ્દાઓ અંગે પક્ષનો અભિપ્રાય રજૂ કર્યો હતો.

પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો દ્વારા વિપક્ષના બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા અંગેના આક્ષેપો સહિત વિવિધ મુદ્દે સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબમાં મનજીભાઈ આહિરે ભાજપનો પક્ષ રજૂ કર્યો હતો.

આ ઉપરાંત સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે તા. ૨૬ નવેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સફાઈ કરવામાં આવશે. ત્યારબાદ શહેરના મુખ્ય બજાર માર્ગ પરથી રેલી યોજી સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમના માધ્યમથી બંધારણના મહત્વ, લોકશાહી મૂલ્યો અને બાબાસાહેબ આંબેડકરના યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.































