
વ્રજવાણીથી પ્રસ્થાન કરેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. દ્વારકાના મુખ્ય માર્ગો પર પસાર થયેલી યાત્રા દરમિયાન ખેડૂતોએ સરકાર, વીજ કંપનીઓ તેમજ અદાણી કંપની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

જગત મંદિર ખાતે પહોંચેલા ખેડૂતોએ દ્વારકાધીશના ચરણોમાં પોતાની વેદના રજૂ કરી ધ્વજાજી સાથે આવેદનપત્ર અર્પણ કર્યું હતું. ખેડૂતોનું કહેવું હતું કે, તેમની ખેતીની જમીન સંપાદન અને વીજ લાઇનના થાંભલા ઉભા કરવાની પ્રક્રિયામાં પૂરતું વળતર આપવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને આર્થિક અને માનસિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

આ આયોજનમાં કિસાન સંઘના અગ્રણી પાલ આંબલિયાએ સરકારની નીતિઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરોમાં નહીં પરંતુ તેમની છાતીમાં થાંભલા ખોદવામાં આવી રહ્યા છે. તેમણે ખેડૂતોની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું કે વિકાસના નામે ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવી રહી છે.

ખેડૂત આગેવાનોએ માંગણી કરી હતી કે જમીન સંપાદન બદલ બજાર ભાવના ચાર ગણા વળતર ચૂકવવામાં આવે અથવા અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને રૂ—।.50 હજારનું ભાડું આપવામાં આવે. ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઇનના દરેક થાંભલા દીઠ રૂ. 2 કરોડનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી.

કિસાન સંઘના આગેવાનોએ અદાણી કંપની સહિત સંબંધિત વીજ કંપનીઓ સામે પણ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતી નીતિઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ વધી રહ્યો છે.

સમગ્ર પદયાત્રા દરમિયાન ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દ્વારકાધીશ સમક્ષ ન્યાયની પ્રાર્થના સાથે પોતાના અધિકારો માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.



















