
ગુજરાત સહિત દેશભરમાં યુવાનો અને બાળકોમાં એનર્જી ડ્રિંકનું વ્યસન ઝડપથી વધી રહ્યું છે. સોશિયલ મીડિયા, સ્પોર્ટ્સ અને ગ્લેમરસ જાહેરાતોના કારણે સ્ટિંગ, રેડ બુલ, મોન્સ્ટર જેવી બ્રાન્ડ્સ યુવાનોમાં સ્ટેટસ સિમ્બોલ બની રહી છે.

રાજસ્થાન સરકારે તો એક પગલું આગળ વધીને Red Bull, Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સના વેચાણ, માર્કેટિંગ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે સ્કૂલના 500 મીટરના વિસ્તારમાં Sting એનર્જી ડ્રિંકના વેચાણ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં પણ આવા કડક નિયંત્રણો કે પ્રતિબંધ લાગશે કે કેમ તે અંગે ચર્ચાઓ જોર પકડ્યું છે.

કાર્ડિયોલોજીસ્ટ ડો. જય સંઘવીએ જણાવ્યું હતું કે, એનર્જી ડ્રિંક્સમાં રહેલા કેફીન અને શુગરનું વધુ પ્રમાણ હૃદય અને શરીરના મેટાબોલિઝમ પર ગંભીર અસર કરી શકે છે.અને હાર્ટ સંબંધિત જોખમ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, FSSAIએ 1 જુલાઈએ 6 મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને નોટિસ મોકલી હતી. FSSAIની નોટિસમાં Red Bull, PepsiCoનું Adrenaline Rush Energy Drink, Reliance Consumer Productsનું Campa Energy Drink Gold Boost, Sting Energy Drink, Hell Energy અને Coca-Cola સાથે જોડાયેલ Monster Energy જેવા મોટા નામ છે.

નોટિસમાં જણાવાયું હતું કે, કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સને યોગ્ય રીતે રજૂ નથી કરી રહી અને જાહેરાતોમાં એવા દાવા કરી રહી છે કે, જેનાથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

રાજસ્થાનની ભજનલાલ સરકારે રાજ્યના 25થી વધુ શહેરોમાં દરોડા પાડી 5 લાખથી વધુ એનર્જી ડ્રિંક્સની બોટલો જપ્ત કરી છે. ફૂડ સેફ્ટી અને ડ્રગ કંટ્રોલ વિભાગની તપાસમાં સામે આવ્યું કે, કેટલીક કંપનીઓ તેમના ઉત્પાદનોને શરીરને “રિચાર્જ” કરતી અથવા “તાત્કાલિક ઊર્જા આપતી” હોવાનું દર્શાવી રહી હતી, જે FSSAIના નિયમો મુજબ ભ્રામક દાવાની શ્રેણીમાં આવી શકે છે.

સરકાર દ્વારા Sting, Red Bull, Hell Energy, Campa Energy, Monster Energy, After Shock, Tropicana Energy અને Adrenaline Rushના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલના 500 મીટરના વિસ્તારમાં Sting એનર્જી ડ્રિંકના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું માનવું છે કે વિદ્યાર્થીઓ અને ટીનેજર્સમાં આવા પીણાંનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે લાંબા ગાળે આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરશે.























