વઘાસિયાથી ગાળા સુધીના 52 કિમીના પ્રસ્તાવિત બાયપાસમાં ફળદ્રુપ ખેતીની જમીન કપાતનો વિરોધ, નીચી માંડલ ખાતે ખેડૂત આગેવાનોની બેઠકમાં લડતની રણનીતિ ઘડાઈ

મોરબી: જિલ્લામાં વઘાસિયાથી ગાળા સુધી પ્રસ્તાવિત નેશનલ હાઈવે-27ના આશરે 52 કિલોમીટર લાંબા બાયપાસ પ્રોજેક્ટને લઈને મોરબી અને વાંકાનેર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોમાં વિરોધનો સૂર વધુ પ્રબળ બન્યો છે. આ પ્રોજેક્ટના કારણે 22 જેટલાં ગામોની કિંમતી અને ફળદ્રુપ ખેતીની જમીન કપાતમાં જવાની આશંકા વચ્ચે ખેડૂતોએ બાયપાસના રૂટ અને જમીન સંપાદન સામે વાંધો ઉઠાવ્યો છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, આ મુદ્દે સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો તથા આવેદનપત્રો આપવામાં આવ્યાં છે, છતાં તેમની માંગણીઓ અંગે સંતોષકારક જવાબ મળ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના ખેતરોમાં સર્વે કરવાની અને જમીનમાં ખૂંટા ખોડવાની કામગીરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કામગીરીનો વિરોધ કરીને ખેડૂતોએ તેને અટકાવી હતી.

આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવવામાં આવે તેવી આશંકા પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જમીન સંપાદનની પ્રક્રિયા, વળતરની રકમ અને બાયપાસના નિર્ધારિત રૂટ અંગે સ્પષ્ટતા કરવાની માંગ સાથે ખેડૂતો હવે સંગઠિત થઈને રજૂઆતો કરી રહ્યા છે.

નીચી માંડલ ખાતે 22 ગામોના ખેડૂત આગેવાનોની બેઠક : આગામી લડતની દિશા નક્કી કરવા માટે 10 ઓક્ટોબર, 2026ના રોજ નીચી માંડલ ખાતે અસરગ્રસ્ત 22 ગામોના ખેડૂત આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જમીન સંપાદન અને વળતરના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જમીન સંપાદન અને યોગ્ય વળતર અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય સામે આવ્યો નથી.

ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા જંત્રીના આધારે વળતર આપવાની વાત કરવામાં આવી રહી છે, જે તેમની કિંમતી ખેતીની જમીનના વાસ્તવિક મૂલ્યની સરખામણીએ અપૂરતું છે. ખેડૂતો યોગ્ય વળતર નક્કી કરવાની સાથે બાયપાસના રૂટ અંગે પણ પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા છે.

માગણીઓ નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન: ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે અસરગ્રસ્ત ખેડૂતોના વાંધા અને માંગણીઓની અવગણના કરીને બળજબરીપૂર્વક કામગીરી શરૂ કરવામાં આવશે તો તમામ અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવશે. જરૂર પડ્યે ધરણાં, રેલી સહિતના લોકશાહી માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

હાલમાં NH-27 બાયપાસ પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જમીન સંપાદન, વળતર અને રૂટ અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તથા અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.




















