
મોરબી, તા. 08 જુલાઈ: શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણાધીન નાની કેનાલ રોડને તંત્ર દ્વારા “આઇકોનિક રોડ” તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ અનેક પ્રશ્નો ઉભા કરે છે. રોડની બંને બાજુ ખોદકામ બાદ યોગ્ય રીતે માટી કે કપચીથી ભરાણ કરવામાં આવ્યું નથી, જેના કારણે રોડની સાઇડમાં ઊંડો અને જોખમી કટ યથાવત જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને વરસાદી માહોલમાં રોડની બાજુની જમીન વધુ ધોવાઈ જતાં અકસ્માતની શક્યતા વધી ગઈ છે. જો કોઈ બાઈકચાલક અથવા વાહનચાલક રોડની સાઇડમાં સ્લીપ થઈ જાય તો ગંભીર ઈજા થવાની સંપૂર્ણ શક્યતા નકારી શકાય તેમ નથી. સ્થાનિક લોકોમાં પણ આ સ્થિતિને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.

રોડની બાજુમાં ખુલ્લી હાલતમાં પડેલો કટ, તૂટેલી જમીન અને આસપાસ ફેલાયેલો કચરો વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. કરોડોના ખર્ચે બની રહેલા આ રોડ પર સલામતીના પ્રાથમિક ધોરણોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક રોડની બંને બાજુ યોગ્ય રીતે ભરાણ કરી, કપચી પાથરી અને જોખમી સ્થળોને સુરક્ષિત બનાવે જેથી વરસાદી મોસમ દરમિયાન કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને. આઇકોનિક રોડ તરીકે ઓળખ અપાતા માર્ગની આવી અવ્યવસ્થિત અને જોખમી સ્થિતિ તંત્ર માટે શરમજનક હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.




















