HomeAllઅમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં નવા સવાલો: RAT, ફ્યુઅલ સ્વિચ અને ફાઇનલ રિપોર્ટના...

અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં નવા સવાલો: RAT, ફ્યુઅલ સ્વિચ અને ફાઇનલ રિપોર્ટના વિલંબ મુદ્દે સુપ્રીમમાં ચર્ચા

અમદાવાદ: અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસને લઈને સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી બાદ અનેક મહત્વના મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ, રેમ એર ટર્બાઈન (RAT), સિમ્યુલેશન ટેસ્ટ અને AAIBના અંતિમ તપાસ રિપોર્ટમાં થઈ રહેલા વિલંબ અંગે અરજદાર પક્ષે સવાલો ઉઠાવ્યા છે.

સંસદમાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે વિમાન કંપની દ્વારા કરવામાં આવેલા એડવાન્સ ટેસ્ટમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ સિસ્ટમમાં કોઈ ખામી સામે આવી નથી. જોકે થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હજુ ચાલુ હોવાનું જણાવાયું હતું. આ મોડ્યુલ પાયલટ પાસેથી મળતા ઇનપુટને ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવી એન્જિનના પાવરને નિયંત્રિત કરે છે.

બીજી તરફ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડરના આધારે ટેકઓફના થોડા સેકન્ડ બાદ બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ ‘કટ ઓફ’ સ્થિતિમાં ગયા હોવાનું નોંધાયું હતું. પરિણામે એન્જિનને ઇંધણનો પુરવઠો અટક્યો અને થ્રસ્ટ ઝડપથી ઘટ્યો હતો.

કોકપિટ વોઇસ રેકોર્ડિંગ અંગે પણ ચર્ચા થઈ છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ એક પાયલટે બીજા પાયલટને ફ્યુઅલ સ્વિચ કેમ બદલ્યો તે અંગે પૂછ્યું હતું, જ્યારે બીજા પાયલટે સ્વિચ બદલ્યાનો ઇનકાર કર્યો હતો. આ બાબતને કારણે સ્વિચની સ્થિતિ બદલાવા પાછળ માનવીય કારણ હતું કે ટેકનિકલ પરિબળ, તે અંગે સવાલ ઊભા થયા છે.

અમદાવાદ પ્લેન ક્રેશમાં કેપ્ટન સુમિત સભરવાલ અને કો-પાયલટ ક્લાઇવ કુંદેરનાં પણ મૃત્યુ થયાં હતાં. કેપ્ટન સભરવાલના પિતા દ્વારા કરવામાં આવેલી અરજી સહિત સ્વતંત્ર અને કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરતી અરજીઓ પર 28 જુલાઈ, 2026ના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ તપાસ સંબંધિત માહિતી રજૂ કરી હતી.

સુનાવણી દરમિયાન એડવોકેટ ગોપાલ શંકર નારાયણને ફ્લાઇટ રેકોર્ડમાં કેટલીક વિસંગતતાઓ હોવાનો દાવો કરી રેમ એર ટર્બાઈન (RAT)નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે RAT વિમાનની કટોકટીની પાવર સિસ્ટમનો ભાગ છે અને વિમાન અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ પર હતું ત્યારે જ તે બહાર દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અરજદાર પક્ષે આ બાબતને ટેકઓફ પહેલાંની સંભવિત ચેતવણી સાથે જોડીને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી હતી.

અરજદાર પક્ષે અમેરિકાની એક ફર્મ દ્વારા 10 સિમ્યુલેશન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ DGCA, AAIB અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા ચારથી વધુ સિમ્યુલેશન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જસ્ટિસ જોયમાલા બાગચીએ વિદેશી ફર્મ દ્વારા કરાયેલા સિમ્યુલેશન ટેસ્ટનો AAIBએ અભ્યાસ કરી તેના પર અભિપ્રાય આપવો જોઈએ તેવી વાત રજૂ કરી હતી.

સુનાવણીમાં AAIBના અંતિમ તપાસ રિપોર્ટમાં થઈ રહેલા વિલંબનો મુદ્દો પણ ઉઠ્યો હતો. એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે જાન્યુઆરી 2026માં થયેલી અગાઉની સુનાવણી દરમિયાન ત્રણ અઠવાડિયામાં અંતિમ રિપોર્ટ આવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ જુલાઈ સુધી રિપોર્ટ જાહેર થયો નથી.

દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ 12 જૂન, 2026 સુધી પણ અંતિમ રિપોર્ટ જાહેર ન થતાં મૃતકોના પરિવારજનોમાં નિરાશા હોવાનું તેમના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું. કેસ સાથે સંકળાયેલા પ્રતિનિધિના જણાવ્યા મુજબ હવે AAIBનો અંતિમ રિપોર્ટ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં રજૂ થવાની શક્યતા છે અને 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી થવાની છે.

પરિવારજનોની માગ છે કે અંતિમ તપાસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ થયા બાદ તેની મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે, જેથી દુર્ઘટનાના ચોક્કસ કારણો અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. હાલ ફ્યુઅલ સ્વિચ, RAT, થ્રસ્ટ કંટ્રોલ સિસ્ટમ અને સિમ્યુલેશન ટેસ્ટ સહિતના મુદ્દાઓ અંતિમ તપાસ રિપોર્ટને લઈને મહત્વના બની રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments